એપ્રિલ 2025ની શરૂઆત સાથે જ દેશ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શનમાં મોટો વધારો થયો છે. આ વધારા સાથે GST કલેક્શન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ચૂક્યુ છે. સરકારી આંકડા મુજબ એપ્રિલ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.


સરકારની તિજોરી રૂપિયાથી છલકાઈ

તમને જણાવી દઈએ કે આ પહેલા સૌથી વધુ GST કલેક્શન એપ્રિલ 2024માં થયું હતું, તે વખતે 2.10 લાખ કરોડ રૂપિયાની આવક સરકારને થઈ હતી. જોકે, હવે આ રેકોર્ડ પણ બ્રેક થઈ ગયો છે. માર્ચ 2025માં આ કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતું. ઘરેલુ વ્યવહારોમાંથી GSTની આવક 10.7 ટકા વધીને લગભગ રૂ. 1.9 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલમાંથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ છે.

જાન્યુઆરીથી માર્ચ સુધીમાં GST કલેક્શન કેટલું રહ્યું?

સરકારી આંકડા મુજબ વાત કરવામાં આવે તો માર્ચમાં આ કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 9.9 ટકાનો વધારો દર્શાવે છે. ફેબ્રુઆરીમાં GST કલેક્શન રૂ. 1.83 લાખ કરોડ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 9.1 ટકાનો વધારો દર્શાવે છે. એ જ રીતે, જાન્યુઆરીમાં પણ GST કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું, જે 12.3 ટકાનો વધારો બતાવે છે. દર મહિને GST કલેક્શનમાં વધારો થવાનું મુખ્ય કારણ દેશમાં સ્થાનિક માગમાં વધારો છે.

આ રાજ્યોના GST કલેક્શનમાં થયો વધારો

લક્ષદ્વીપમાં GST કલેક્શનમાં 287%નો વધારો થયો છે. રાજ્યોમાં અરુણાચલ પ્રદેશમાં 66% વધારો નોંધાયો છે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં અનુક્રમે 50% અને 42% વધારો થયો છે. હરિયાણા, બિહાર અને ગુજરાત જેવા મોટા રાજ્યોએ પણ બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે. તેનાથી વિપરીત, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં મિઝોરમમાં સૌથી મોટો 28% ઘટાડો જોવા મળ્યો છે.

  • Follow us on: