દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો પર આવકવેરા વિભાગે મસમોટો 944.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપનીએ આવકવેરા વિભાગની આ કાર્યવાહીને ખોટી ગણાવી અને કહ્યું કે તે તેને કાયદાકીય રીતે પડકાર આપશે. ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે રવિવારે જણાવ્યું હતું કે તેને એસેસમેન્ટ વર્ષ 2021-22 માટે આવકવેરા વિભાગ તરફથી 944.20 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ મળી છે.
કંપની પર શું થશે અસર?
જોકે, ગુરુગ્રામ સ્થિત કંપનીએ દંડના આદેશને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તે તેને કાયદેસર રીતે પડકારશે. કંપનીએ કહ્યું કે આ આદેશથી એરલાઈનના સંચાલન, નાણાકીય સ્થિતિ અને અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર પડશે નહીં. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આવકવેરા સત્તાવાળાએ એસેસમેન્ટ વર્ષ 2021-22 માટે 944.20 કરોડ રૂપિયાનો દંડ લાદવાનો આદેશ પસાર કર્યો છે.' આ આદેશ ખોટી સમજણ પર પસાર કરવામાં આવ્યો છે કે કંપની દ્વારા કલમ 143(3) હેઠળ આદેશ સામે આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દેવામાં આવી છે, જ્યારે તે હજુ પણ ચાલુ છે અને નિર્ણય માટે પેન્ડિંગ છે.
કંપનીના શેરના ભાવમાં થયો ઘટાડો
આ ઉપરાંત, ઈન્ડિગોએ આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે આ નિર્ણય ખોટો છે અને તેમાં કાનૂની યોગ્યતાનો અભાવ છે. તેના જવાબમાં એરલાઈને યોગ્ય કાનૂની માધ્યમો દ્વારા આદેશને પડકારવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે અને ન્યાયિક પ્રક્રિયામાં તેના વિશ્વાસ પર ભાર મૂક્યો છે. કંપની દ્રઢપણે માને છે કે આવકવેરા સત્તાવાળા દ્વારા પસાર કરાયેલો આદેશ કાયદા અનુસાર નથી અને ભૂલભરેલો છે. તદનુસાર, કંપની તેનો વિરોધ કરશે અને ઉપરોક્ત આદેશ સામે યોગ્ય કાનૂની ઉપાયો લેશે. તેથી, ઉપરોક્ત આદેશ કંપનીની નાણાકીય સ્થિતિ, કામગીરી અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર કરશે નહીં. બીજી તરફ આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળ્યા પછી, ઇન્ડિગોના શેર 0.32 ટકા ઘટીને રૂ. 5,113 પર બંધ થયા છે.