- ભારતમાં સ્ટાર્ટઅપ્સ છેલ્લા 9 વર્ષમાં 300 ગણા વધ્યા
- 2014 પહેલા લગભગ 350 સ્ટાર્ટઅપ હતા
- સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 90,000થી વધુ થઈ ગઈ છે
ભારત ઝડપથી વિશ્વની સ્ટાર્ટઅપ કેપિટલ બની રહ્યું છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં દેશમાં સૌથી ઝડપી ગતિએ સ્ટાર્ટઅપ્સ બનાવવામાં આવી રહ્યા છે. આમાંના ઘણા સફળ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્નના સ્તરને સ્પર્શવામાં પણ સફળ થયા છે. કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં છેલ્લા નવ વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 300 ગણો વધારો થયો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના રાજ્ય મંત્રી સિંહના ગૃહ મતવિસ્તાર ઉધમપુરમાં શરૂ થયેલા બે દિવસીય 'યંગ સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ'માં માહિતી આપી છે.
100થી વધુ સ્ટાર્ટઅપ્સ હવે યુનિકોર્ન બન્યા
જિતેન્દ્ર સિંહે કહ્યું, “ભારતમાં છેલ્લા 9 વર્ષમાં સ્ટાર્ટઅપ્સ 300 ગણા વધ્યા છે, 2014 પહેલા લગભગ 350 સ્ટાર્ટઅપ હતા, ત્યારથી સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 90,000થી વધુ થઈ ગઈ છે. આમાંથી 100થી વધુ સ્ટાર્ટઅપ્સ હવે યુનિકોર્ન બની ગયા છે. મોદી દ્વારા પ્રમોટ કરાયેલ સ્ટાર્ટઅપ મૂવમેન્ટ હવે દેશના દરેક ભાગમાં પહોંચી રહી છે. વડાપ્રધાનનો 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા'નો મંત્ર એવા યુવાનો માટે લાખો નોકરીની તકો ઊભી કરી રહ્યો છે જેઓ ધીમે ધીમે સરકારી નોકરીની માનસિકતામાંથી બહાર આવી રહ્યા છે અને વિશિષ્ટ ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરવા તૈયાર છે.










