ભારત જાપાનને પછાડીને સોથી મોટુ ચોથુ અર્થતંત્ર બની ગયુ છે. ત્યારે ભારતના આર્થિક વિકાસમાં પણ તેજી જોવા મળી રહી છે. ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ 7.4 ટકા રહ્યો. જે છેલ્લા ચાર ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2025 દરમિયાન, દેશનો GDP 6.5 ટકાના દરે વધ્યો હતો. આ માહિતી 30 મેના રોજ સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટામાં આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે સ્થાનિક માંગ, રોકાણ અને કૃષિ ઉત્પાદનમાં વધારો થવાને કારણે દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે.
ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2% હતો
નાણાકીય વર્ષ 2024-2025 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2% હતો. એક વર્ષ પહેલા નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં તે 8.4% હતો. આ ડેટા રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા શુક્રવાર, 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.
છેલ્લા 5 વર્ષમાં GDP વૃદ્ધિ
- 2020: -5.8% (કોવિડ-19 રોગચાળાને કારણે ઘટાડો)
- 2021: 9.7% (રોગચાળા પછી મજબૂત સુધારાનો સંકેત)
- 2022: 7.0% (સ્થિર વૃદ્ધિ)
- 2023: 8.2% (આર્થિક પુનઃપ્રાપ્તિ ચાલુ રહે છે)
- 2024: 6.5% (વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા છે, પરંતુ હજુ પણ મજબૂત વૃદ્ધિ)
નાણાકીય વર્ષ 25 માં ત્રિમાસિક ગાળામાં GDP
| ત્રિમાસિક | વૃદ્ધિ દર |
| Q4 | 7.40% |
| Q3 | 6.20% |
| Q2 | 5.60% |
| Q1 | 6.50% |
આ ક્ષેત્રોનો વિકાસદર કેટલો ?
ગયા વર્ષની સરખામણીમાં નોમિનલ જીડીપીમાં 9.8 ટકાનો ઉછાળો આવ્યો છે. જે હવે 330.68 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે વાસ્તવિક જીડીપી 187.97 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2024-25 માં બાંધકામ ક્ષેત્રમાં 9.4 ટકાનો વધારો થયો છે, ત્યારબાદ જાહેર વહીવટ, સંરક્ષણ અને અન્ય સેવાઓમાં 8.9 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓનો વિકાસદર 7.2 ટકા રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આખા વર્ષ માટે જીડીપી વૃદ્ધિદર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. જોકે દેશના અર્થતંત્રમાં પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં તેજી જોવા મળી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિદર 6.4 ટકા હતો. જોકે, વાર્ષિક ધોરણે વૃદ્ધિદરમાં ઘટાડો થયો છે કારણ કે ગયા નાણાકીય વર્ષમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિદર 8.4 ટકા હતો.










