- મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર
- ભારતીય રેલવે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરશે
- બંને શહેરો વચ્ચે શરૂ થનારી આ નવી ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે
મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં ભારતીય રેલવે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ રેલ કોચ ફેક્ટરીમાં નિર્મિત આ નવી ટ્રેનની 15 હજાર કિલોમીટરની ટ્રાયલ રન પૂર્ણ થઈ ગઈ છે. નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-કટરા રૂટ પર ચાલતી ટ્રેનો જેવા અગાઉના મોડલની સરખામણીમાં નવી વંદે ભારત ટ્રેનો વધુ ઉર્જા કાર્યક્ષમ અને આરામદાયક છે. તેને ટોચના સ્તરની સુરક્ષા અને સુવિધાઓ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જે મુંબઈ અને અમદાવાદ રૂટ પરની મુસાફરીને વધુ સારી અને સરળ બનાવશે.
આ કારણોસર ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ થશે
રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ રૂટ પર ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે કારણ કે મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવામાં આવી રહેલી બે વંદે ભારત એક્સપ્રેસ તેમની સંપૂર્ણ ક્ષમતાથી દોડી રહી છે. આને ધ્યાનમાં રાખીને, રેલ્વે આ બે શહેરો વચ્ચે તેની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે જેથી સામાન્ય મુસાફરોને વધુ સુવિધા મળી શકે. નવી વંદે ભારત ટ્રેન માત્ર 140 સેકન્ડમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. તેના અગાઉના મોડલની તુલનામાં મુસાફરીનો સમય અંદાજે 45 મિનિટ ઓછો થશે. જે બાદ આ યાત્રા લગભગ 5 કલાક અને 25 મિનિટમાં પૂર્ણ થશે.
ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે
મળતી માહિતી મુજબ, બંને શહેરો વચ્ચે શરૂ થનારી આ નવી ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. આ ટ્રેન અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બોરીવલી, મુંબઈ સેન્ટ્રલ ખાતે ઉભી રહેશે. અંતિમ સફળ ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ ટ્રેનો ટૂંક સમયમાં આ રૂટ પર શરૂ કરવામાં આવશે.