• US ફેડરલ વ્યાજદર ઘટાડશે તો RBI પણ તેને અનુસરશે : નિષ્ણાતો

  • સકારાત્મક અસર પણ ભારતીય શેરબજાર પર પડશે.
  • હવે ફુગાવાનો દર 4.9 ટકાના સ્તરે આવી ગયો છે

શુક્રવારે બજારમાં કડાકો બોલાયો તેના માટે કેપિટલ ગેઇનને લગતાં એક સમાચાર વહેતા થયા એ બાબતને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ અંગે ખુદ નાણાંપ્રધાને સ્પષ્ટતા કરી તેને અફવા ગણાવ્યા એ બાબત તો આગામી સપ્તાહમાં ભારતીય શેરબજાર માટે સારો સંકેત માનવામાં આવી જ રહી છે, પરંતુ યુએસમાં નબળા જોબ ડેટાને પગલે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડે એવી આશા બંધાતા આની સાનુકૂળ અસર પણ ભારતીય બજાર પર આગામી સપ્તાહમાં જોવા મળે એમ નિષ્ણાતો માની રહ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છેલ્લે જ્યારે તેની મોનિટરી પોલિસીની બેઠકના નિર્ણય જાહેર કર્યા ત્યારે નિષ્ણાતોનો એવું કહેવું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડશે તે પછી જ આરબીઆઇ તેને અનુસરશે. હવે યુએસમાં આ અંગે ઊભી થયેલી આશાને પગલે આરબીઆઇ પણ વહેલા મોડા તેને અનુસરશે એવી અપેક્ષા પણ ઊભી થઇ છે, જેની સકારાત્મક અસર પણ ભારતીય શેરબજાર પર પડશે.

ફેબ્રુઆરી 2022માં ફુગાવાનો દર 7.8 ટકા થયો તે પછી આરબીઆઇએ વ્યાજદરમાં 2.75 ટકાનો વધારો કર્યો છે અને હવે ફુગાવાનો દર 4.9 ટકાના સ્તરે આવી ગયો છે. વધુમાં આરબીઆઇએ સતત સાતમી વાર વ્યાજદર યથાવત રાખ્યો છે. આથી હવે તેના દ્વારા પણ વ્યાજદર ઘટાડવામાં આવે એવી આશા બંધાઇ છે.

યુએસમાં જો વ્યાજદર ઘટાડાય તો વિવિધ કંપનીઓ આઇટી માટેનો ખર્ચ વધારી શકે. આથી પોતાની મોટા ભાગની આવક યુએસમાંથી મેળવતી ભારતની આઇટી કંપનીઓ માટે આ સારો સંકેત છે. વધુમાં વ્યાજદરની દ્રષ્ટિએ સેન્સિટિવ ગણાતા ઓટો ક્ષેત્ર માટે પણ આરબીઆઇ દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવે તો તે પણ લાભદાયક સાબિત થઇ શકે છે. બેંકિગ ક્ષેત્ર માટે પણ આ સારી બાબત છે, પરંતુ આરબીઆઇએ પ્રોજેક્ટ ફાયનાન્સિંગ માટેની જોગવાઇમાં વધારો કર્યો તે બાબત આ ક્ષેત્રના શેરોને ભારી પડી શકે તેમ છે.

કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફારના અહેવાલે બજાર તૂટયું, કેન્દ્રીય નાણાંપ્રધાને સ્પષ્ટતા કરતા છેલ્લે થોડી રિકવરી આવી

શુક્રવારે સેન્સેક્સ લગભગ 500 આંક ઊંચે ખુલ્યા પછી અચાનક જ પટકાયો, કુલ 1,600 પોઇન્ટ જેટલી વધઘટ પછી ઊંચા મથાળેથી 1,200 પોઇન્ટ જેટલો ઘટીને બંધ રહ્યો તેના કારણે બજારના ખેલાડીઓ અવાક થઇ ગયા હતા. નિષ્ણાતોએ કહેવા ખાતર તો અનેક કારણો આપ્યા પરંતુ અમેરિકાના જોબ ડેટાની જાહેરાત થવાની હતી તે સિવાય એક પણ કારણ ગળે ઉતરે એવું ન હતું. જોકે હકીકત છે કે એક સમાચાર માધ્યમમાં એવા અહેવાલ આવ્યા હતા કે ભાજપની સરકાર ફરી સત્તા પર આવશે તે પછી આવકવેરાના સંદર્ભમાં કેટલાંક નવા પગલાં લેવામાં આવશે, જે અંતર્ગત તમામ પ્રકારની એસેટ પર લાગતાં કેપિટલ ગેઇન ટેક્સ સહિતના વેરાને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવશે. આ સમાચારને પગલે જ બપોર પછી બજારમાં તીવ્ર વેચવાલીનો દોર શરૂ થયો હતો. જો કે છેલ્લા કલાકમાં થોડી રિકવરી જોવા મળી તેનું કારણ એ હતું કે ખુદ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આ અહેવાલ અંગે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ મુકી સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ વાત માત્રને માત્ર એક અટકળ જ છે અને તેમાં સહેજ પણ તથ્ય નથી. હાલમાં ચૂંટણી ચાલી રહી હોવાથી આવી વાત ફેલાવવામાં આવી છે. સંબંધિત અહેવાલને પગલે બજારના ખેલાડીઓમાં એવો ભય ફેલાયો હતો કે શેરબજારમાં થતા નફા પર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર હાલમાં જે રાહત મળે છે રદ થશે અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પણ ઊંચા દરે વસૂલ કરવામાં આવશે.

યુએસ શેરબજારના તમામ મુખ્ય ઇન્ડેક્સ 1.18 ટકાથી 1.99 ટકા સુધી વધ્યા

શુક્રવારે જાહેર થયેલા યુએસના જોબ ડેટા નિષ્ણાતોની ધારણાથી ઓછા આવ્યા તેના પગલે હવે અર્થતંત્રને વેગ આપવા યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડી શકે છે એવી આશા ઊભી થઇ હતી. જેને પગલે અમેરિકાના શેરબજારો નોંધપાત્ર પ્રમાણમાં વધીને બંધ રહ્યા હતા. અમેરિકાના મુખ્ય ત્રણ ઇન્ડેક્સમાં 1.18 ટકાથી 1.99 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. ડાઉ જોન્સ 450 પોઇન્ટ એટલે કે 1.18 ટકા, નાસ્ડેક 315 પોઇન્ટ એટલે કે 1.99 ટકા અને એસ એન્ડ પી 500 63 પોઇન્ટ એટલે કે 1.26 ટકા વધીને બંધ રહ્યા હતા. ટેકનોસોજી ઇન્ડેક્સ 3 ટકા વધીને બંધ રહ્યો હતો અને એસ એન્ડ પીના તમામ સેકટોરલ ઇન્ડાઇસિસમાંથી માત્ર એનર્જી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ વધીને બંધ રહ્યા હતા.


  • Follow us on: