- લોકસભાની ચૂંટણી બાદ સત્તાવાર જાહેરાતની શક્યતા
- રિઝર્વ બેંક અને ATM ઉદ્યોગ પરિસંઘ વચ્ચે તાજેતરમાં બેઠક મળી
- બેંકના એટીએમથી નાણાં ઉપાડવા અથવા લેણદેણ કરવા ઉપર ફી રૂ.20 થી રૂ.23 થઇ શકે છે
લોકસભાની ચૂંટણી પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવાનું મોંઘુ થઇ શકે છે. એટીએમ એટલેકે ઓટોમેટેડ ટેલર મશીન પર થતા ખર્ચ અંગે હવે બેંકિંગ સેકટરમાં નવેસરથી વિચારણા થઇ રહી છે. જે મુજબ હવે બીજી બેંકના એટીએમથી નાણાં ઉપાડવા અથવા તો લેણદેણ કરવા ઉપર ફી (ઇન્ટરચેંજ શુલ્ક) વધારીને રૂ.20 થી રૂ.23 થઇ શકે છે.આ ઉપરાંત વધુ રોકડ નાણાં ઉપાડવા ઉપર પણ વધારાની સુવિધા શુલ્ક લેવામાં આવી શકે છે. જે વિસ્તારમાં બેંકોની શાખાઓ ઓછી હોય અથવા તો એટીએમ ઓછા છે ત્યાં ફી ઓછી રાખવા અંગે પણ વિચારણા થઇ રહી છે.જેથી પ્રત્યક્ષ લાભ અંતરણ ( ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર)ના લાભાર્થીઓ એટીએમમાંથી સરળતાથી રકમ ઉપાડી શકે.આ અંગે રિઝર્વ બેંક દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. બેંકિંગ સૂત્રોના જણાવ્યા મુજબ એટીએમ ઉદ્યોગ પરિસંઘ (Catmi) અને રિઝર્વ બેંક વચ્ચે તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઇ હતી. ફીની સમીક્ષાનો અહેવાલ એવા સમયે આવ્યો છેકે, જ્યારે સપ્ટેમ્બર 2023થી માર્ચ 2024 સુધી 45000 નવા એટીએમ અને કેશ રિસાઇકલિંગ મશીનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પૂર્વેના છ માસની તુલનાએ આ ઓર્ડર છ ગણો છે.
આ સંખ્યા નવેમ્બર 2016માં નોટબંધીના સમયથી આજ સુધી દેશમાં લગાવામાં આવેલા એટીએમથી પણ વધુ છે. નોટબંધીના સમયે દેશમાં અંદાજે 2.25 લાખ એટીએમ હતા અને હાલમાં આ સંખ્યા 2.60 લાખ છે. એટલેકે છેલ્લા સાત વર્ષમાં દેશમાં એટીએમની સંખ્યામાં 35000નો જ વધારો થયો છે.










