• તમારી પાસે નિષ્ક્રિય પાન કાર્ડ હોય તો પણ તમે ITR ફાઇલ કરી શકો 
  • આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ બાદમાં થશે દંડ
  • PAN નિષ્ક્રિય હોય તો પણ ITR ફાઇલ કરવાની પ્રક્રિયામાં કોઈ ફરક પડતો નથી

જો તમે 30 જૂન 2023 સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કર્યું નથી અથવા ભૂલી ગયા છો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આવકવેરા વિભાગે માહિતી આપી છે કે જો તમારી પાસે નિષ્ક્રિય પાન કાર્ડ હોય તો પણ તમે ITR ફાઇલ કરી શકો છો. આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ત્યાર બાદ દંડ સાથે રિટર્ન ફાઇલ કરવાની પરવાનગી આપવામાં આવશે.

ટેક્સ વિભાગે તેની વેબસાઈટ પર માહિતી આપી છે કે જ્યારે આધાર PAN સાથે લિંક ન હોય અથવા PAN નિષ્ક્રિય થઈ ગયું હોય ત્યારે પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાય છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે શક્ય તેટલી વહેલી તકે તમારું ITR ફાઇલ કરો.

નિષ્ક્રિય પાન કાર્ડ સાથે ITR કેવી રીતે ફાઇલ કરવું

નિષ્ણાતોના મતે, ITR ઈ-ફાઈલિંગ પોર્ટલ વ્યક્તિ માટે ITR ફાઇલ કરતી વખતે તેના PANને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવતું નથી. આનો અર્થ એ છે કે જો તમે હજી સુધી તમારા PAN ને આધાર સાથે લિંક કર્યું નથી તો પણ ITR ઈ-ફાઈલિંગ પોર્ટલ તમને કોઈપણ સમયે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાથી રોકશે નહીં.

નિષ્ણાતો કહે છે કે જો PAN નિષ્ક્રિય હોય તો પણ ITR ફાઇલ કરવાની પ્રક્રિયામાં કોઈ ફરક પડતો નથી. ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કોઈ વ્યક્તિ તેમના ખાતામાં લોગીન કરી શકે છે. લોગ ઇન કર્યા બાદ પહેલા ઇ-ફાઇલ પર જાઓ અને પછી ઇન્કમ ટેક્સ રિટર્ન પર જાઓ. ત્યારબાદ તમે ITR ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. PAN કાર્ડ ધરાવનાર કોઈપણ વ્યક્તિ આ પ્રક્રિયા શરૂ કરી શકે છે.

30 દિવસની અંદર ચકાસવું આવશ્યક 

જો તમે રિટર્ન ફાઈલ કર્યું હોય તો ITR ની ચકાસણી કરવી ફરજિયાત છે. આવકવેરા વિભાગનો કાયદો ITR ફાઇલ કર્યાના 30 દિવસની અંદર ચકાસણીની મંજૂરી આપે છે. જો તે 30 દિવસની અંદર ચકાસવામાં નહીં આવે, તો તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે નહીં.

OTP વડે આધારની ચકાસણી કરવામાં આવશે નહીં

જો PAN કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યું છે અને તેની સાથે ITR ફાઈલ કરવામાં આવ્યું છે તો તમે તેને આધાર OTP વડે ચકાસી શકતા નથી. કારણ કે તમારું PAN આધાર સાથે લિંક નથી. કોઈપણ અન્ય ચકાસણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે જેમ કે ITR V ની સહી કરેલી નકલ CPC, બેંગ્લોરને મોકલવી અથવા ITR ચકાસણી માટે નેટ બેંકિંગ, ATM વગેરે દ્વારા ચકાસણી કરી શકાય છે.

રિફંડ મળશે નહીં

ટેક્સ નિષ્ણાતોના મતે, જો તમારું PAN આધાર સાથે લિંક નથી તો તમે ITR ફાઇલ કરી શકો છો પરંતુ તમે રિફંડ માટે પાત્ર નહીં રહેશો. આનો અર્થ એ છે કે ટેક્સ વિભાગ દ્વારા રિફંડ અને ટેક્સ રિફંડ પર વ્યાજ આપવામાં આવશે નહીં.

કરોડોની ITR ફાઇલ કરી

આ વર્ષે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. 31મી જુલાઈની તારીખ પૂરી થવામાં હજુ ત્રણ દિવસ બાકી છે. આથી જે કરદાતાઓએ હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી તેઓએ હવે રિટર્ન ફાઈલ કરવું જોઈએ. આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટના ડેટા દર્શાવે છે કે અત્યાર સુધીમાં કરદાતાઓ દ્વારા 5 કરોડથી વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન વિભાગે ટ્વીટ કર્યું હતું કે, 'ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 3 દિવસ વહેલા 5 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)ના લક્ષ્ય સુધી પહોંચવામાં અમારી મદદ કરવા બદલ અમે કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સનો આભાર વ્યક્ત કરીએ છીએ! ગયા વર્ષે 30 જુલાઈની સરખામણીએ આ વર્ષે 27 જુલાઈ સુધી AT 2023-24 માટે 5 કરોડથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા છે.

  • Follow us on: