દિવાળી પહેલા ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ કોર્પોરેટ માટે એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે.
15 નવેમ્બર 2024 સુધી રિટર્ન ફાઈલ કરી શકાશે?
નાણા મંત્રાલયે કહ્યું કે કોર્પોરેટના લોકો પાસે હવે 15 નવેમ્બર, 2024 સુધીનો સમય છે, આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા જે 31 ઓક્ટોબર, 2024ની હતી, તેને હવે લંબાવવામાં આવી છે. ત્યારે જાણો આનાથી શું ફાયદો થશે અને તેના વિશે નિયમ શું કહે છે?
સરકારે આ વાત કહી
સરકારે કહ્યું છે કે આ તારીખ લંબાવવાનો નિર્ણય આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139ની પેટા-કલમ (1) હેઠળ આવરી લેવામાં આવેલા કરદાતાઓને લાગુ પડે છે. નોંધનીય છે કે, સરકારે ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2024ના પ્રારંભિક સમયગાળાથી 7 ઓક્ટોબર, 2024 સુધી લંબાવી હતી તે પછી આ તારીખ ફરી લંબાવવામાં આવી છે.
શું કહે છે નિયમ?
તમને જણાવી દઈએ કે આવકવેરા કાયદા હેઠળ, કેટલાક કરદાતાઓએ આવકવેરા ઓડિટમાંથી પસાર થવું પડશે અને એસેસમેન્ટ વર્ષની 30મી સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવો પડશે. આ વધારો અન્ય આવકવેરા ફોર્મ જેમ કે ટેક્સ ઓડિટ રિપોર્ટ, ફોર્મ 3CEB અને ફોર્મ 10DAમાં ટ્રાન્સફર પ્રાઈસિંગ સર્ટિફિકેશન પર લાગુ પડશે નહીં, જેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2024 હશે.
શું થશે ફાયદો?
AY 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય CBDT દ્વારા લેવામાં આવ્યો છે, જોકે, તેની સાથે સત્તાવાર સ્પષ્ટતા નથી. નિષ્ણાતોનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી તહેવારોના કારોબાર વચ્ચે ITR ફાઈલ કરવામાં વ્યાપારીઓનો તણાવ ઓછો થશે. જો કે મોટાભાગના ઉદ્યોગપતિઓ પણ સરકાર પાસે આવું કરે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા. કારણ કે જો સરકારે સમયમર્યાદા લંબાવી ન હોત તો ધંધો ચલાવવાની સાથે આવકવેરા રિટર્ન ભરવાનું ટેન્શન વધી ગયું હોત.










