જૂન મહિનો આજથી શરૂ થઈ ગયો છે અને 1 જૂન 2025થી ઘણા નવા નાણાકીય નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેની અસર તમારા ખિસ્સા પર પડશે. કારણ કે આજથી ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ, ક્રેડિટ કાર્ડ રિવોર્ડ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર અને આધાર અપડેટ ફી જેવી ઘણી બાબતો બદલાશે.

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર

1 જૂનથી લાગુ થયેલા ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો અનુસાર, જો તમારા ક્રેડિટ કાર્ડનું ઓટો-ડેબિટ પેમેન્ટ ફેલ જાય તો 2 ટકા સુધીનો દંડ વસૂલવામાં આવશે. જો તમે તમારા મોબાઇલમાં ઓટો ડેબિટ સેટ કર્યું છે અને તે ફેલ જાય છે તો બેંક તમારી પાસેથી 2 ટકા સુધીનો ચાર્જ વસૂલશે.

આ સિવાય 1 જૂનથી આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર પણ શુલ્ક વસૂલવામાં આવશે. કેટલીક બેંકોએ સંકેત આપ્યો છે કે તેઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વીજળી, પાણી અને ઇન્ટરનેટ જેવા ઉપયોગિતા બિલોની ચુકવણી પર વધારાના શુલ્ક વસૂલ કરી શકે છે. આ સાથે કેશબેક સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. સાથે જ આજથી તમારે ક્રેડિટ કાર્ડ દ્વારા ઇંધણ ખરીદવા માટે પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે

1 જૂનથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ATMમાંથી પૈસા ઉપાડવા પણ મોંઘા થશે. નવા નિયમો હેઠળ, જો તમે મફત મર્યાદા કરતા વધુ વ્યવહારો કરો છો તો તમારા ઉપાડના શુલ્ક વધી શકે છે. આનો અર્થ એ થયો કે ATMમાંથી વારંવાર પૈસા ઉપાડવા હવે તમારા ખિસ્સા માટે મોંઘા પડી શકે છે.

ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર

બેંકો 1 જૂન 2025થી FD પરના તેમના વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે. હાલમાં બેંકો સામાન્ય રીતે FD પર 6.5%થી 7.5%ની વચ્ચે વળતર આપે છે. હવે RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વચ્ચે FD પર વ્યાજ ઘટી શકે છે. જોકે, ઘણી નાની બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે.

EPFO 3.0 આજે લોન્ચ થયું

નવી EPFO ​​3.0 સિસ્ટમ આજે લોન્ચ થશે. જે પગારદાર કર્મચારીઓ માટે એક મોટી રાહતના સમાચાર છે. સબ્સ્ક્રાઇબર્સને બેંક જેવી સુવિધાઓ મળશે જેમ કે ATMમાંથી PFના પૈસા ઉપાડી શકાય છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 24 રૂપિયાનો ઘટાડો થયો છે. આનાથી હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબા ચલાવનારાઓને ફાયદો થશે.

ફ્રીમાં આધાર કાર્ડ આ તારીખ સુધી અપડેટ કરી શકાશે

હવે આધાર કાર્ડ ફક્ત 14 જૂન 2025 સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે. ત્યાર બાદ આધાર ઓનલાઈન અપડેટ કરવા માટે 25 રૂપિયા અને કેન્દ્રમાં અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ખર્ચ થશે.

મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નવો કટ-ઓફ સમય

સેબીના જણાવ્યા અનુસાર, 1 જૂન 2025 થી ઓવરનાઈટ અને લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રિડેમ્પશન માટે એક નવો કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે હવે બંને માટે અલગ અલગ કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે. હવે ઓફલાઇન રિડેમ્પશન વિનંતીઓ બપોરે 3 વાગ્યા સુધીમાં સબમિટ કરવાની રહેશે જ્યારે ઓવરનાઇટ સ્કીમ્સમાં રિડેમ્પશન કરનાર 7 વાગ્યા સુધી જમા કરાવી શકશે.