બાળપણની યાદોમાં ઘણી વખત આપણે રમકડાઓને વસ્તુઓની જેમ નહીં પણ એક દોસ્તની રીતે રાખીયે છીએ. એક એવો મિત્ર જે આપણો સાથે આપે છે, આપણી દરેક વાત સાંભળે છે અને સપનાઓની દુનિયામાં આપણી સાથે ચાલે પણ છે. જરા વિચારજો, જો કોઈ રમકડું આજની દુનિયામાં કરોડો લોકોના દિલ જીતી લે, એ તેમના માટે સ્ટાઈલ સ્ટેમેન્ટ બની જાય, અને તેના કારણે જ કોઈને અબજોની કમાણી થઈ જાય તો શું તમને નવાઈ નહીં લાગે? અહીં આવું જ કંઈક થયું છે. ચીનની પ્રખ્યાત કંપની પોપ માર્ટ દ્વારા બનાવવામાં આવેલી નાની પરંતું યુનિક લાબુબૂ ડોલ, જે આજે દુનિયાભરમાં ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહી છે.
આ ઢીંગલી કોઈ સામાન્ય ઢીંગલી નથી. તેની નાની આંખો, તોફાની સ્મિત અને ગ્રેમલિન જેવા ચહેરાએ લોકોને એટલા દિવાના બનાવી દીધા છે કે ઘણા દેશોમાં દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. તેને મેળવવા માટે ઝઘડા પણ થાય છે. લાબુબુ ઢીંગલીઓને પણ આજની ફેશન એસેસરીઝ ગણવામાં આવે છે. બ્લેકપિંકની લિસા, રિહાન્ના, સિંગાપોરની સોશિયલાઈટ જેમી ચુઆ અને ભારતની અનન્યા પાંડે જેવી સેલિબ્રિટીઓ પણ તેમના બેગ પર તેમને લઈને ફરતી જોવા મળે છે.
