- એલઆઈસી 2022ની આખરમાં કુલ રૂ. 10.91 લાખ કરોડ શેર્સનું એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવતી હતી
- અદાણી જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં છેલ્લા એક મહિનામાં તીવ્ર ઘટાડો નોંધાયો
- હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી જૂથ કંપનીઓનું માર્કેટ-કેપ 50 ટકાથી વધુ ગગડી ચૂક્યું છે
દેશમાં સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર લાઈફ્ ઈન્શ્યોર્ન્સ કોર્પોરેશને (LIC) ચાલુ કેલેન્ડરમાં અદાણી જૂથના શેર્સમાં રૂપિયા 49,728 કરોડનું નુકસાન નોંધાવ્યું છે. 23 ફેબ્રુઆરીએ એલઆઈસી પાસે રહેલા અદાણી જૂથ શેર્સનું મૂલ્ય રૂ. 33,242 કરોડ પર જોવા મળતું હતું. જે 31 ડિસેમ્બર, 2022ના રોજ રૂ. 82,970 કરોડ પર નોંધાયું હતું. એલઆઈસી પાસે અદાણી જૂથની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના શેર્સ રહેલાં છે. એલઆઈસી 2022ની આખરમાં કુલ રૂ. 10.91 લાખ કરોડ શેર્સનું એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવતી હતી.
અદાણી જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં છેલ્લા એક મહિનામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. 24 જાન્યુઆરીએ યુએસ શોર્ટ સેલર્સ હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી જૂથ કંપનીઓનું માર્કેટ-કેપ 50 ટકાથી વધુ ગગડી ચૂક્યું છે. મંગળવારે તે 100 અબજ ડોલરની નીચે ઊતરી ગયું હતું. ગુરુવારે પણ અદાણી જૂથના શેર્સમાં વેચવાલી યથાવત્ રહી હતી. અદાણી જૂથ શેર્સમાં અદાણી ટોટલનો ગેસ ગુરુવાર સુધીમાં ચાલુ કેલેન્ડરમાં 78.50 ટકા જેટલો ગગડયો હતો.










