RBIએ રેપો રેટ ઘટાડીને 5.5 ટકા કરી દીધો છે. આ સાથે CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયોમાં પણ 1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા તે 4 ટકા હતો. આવી સ્થિતિમાં તેનો ઘટાડો 4 ભાગોમાં કરવામાં આવશે. જેમ કે 6 સપ્ટેમ્બર, 4 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 29 નવેમ્બર. કહેવામાં આવી રહ્યું છે કે, જેનાથી બેંકિંગ સિસ્ટમમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ આવશે. તેની અસર એ થશે કે બેંકો વધુ લોન આપી શકશે અને લોનની કિંમત પણ ઓછી થશે. 

સંજય મલ્હોત્રાએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય સમિતિની 4થી 6 જૂન સુધી બે દિવસીય બેઠક પૂર્ણ થયા થઈ હતી. ત્યાર બાદ શુક્રવાર 6 જૂનના રોજ ગવર્નર સંજય મલ્હોત્રાએ ફુગાવા અને દેશની આર્થિક સ્થિતિને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી હતી. તેમણે નાણાકીય વર્ષ 2026 માટે ફુગાવાનો દર ઘટીને 3.7 ટકા થવાનો અંદાજ લગાવ્યો હતો.

ફુગાવાનો દર ઘટ્યો

સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, દેશનો ફુગાવાનો દર RBI ના ધોરણ કરતાં ઘણો નીચે આવી ગયો છે. ઓક્ટોબર 2024માં ફુગાવાનો દર 6 ટકાથી ઉપર હતો પરંતુ હવે એપ્રિલ 2025માં તે ઘટીને 3.2 ટકા થઈ ગયો છે. તેથી આગામી નાણાકીય વર્ષમાં તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ

RBI ગવર્નરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન દેશનો GDP 6.5 ટકા, બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 6.7 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 6.6 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 6.3 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે. RBI ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે રોકાણ અને ખાનગી વપરાશને પ્રોત્સાહન આપવા માટે આ પગલાં જરૂરી છે જેથી દેશના આર્થિક વિકાસની ગતિ અકબંધ રહે.

ભારત વિદેશી રોકાણકારો માટે એક આકર્ષક સ્થળ

સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારત વિદેશી રોકાણકારો માટે એક આકર્ષક સ્થળ છે. તેમણે વિદેશી રોકાણકારો દ્વારા ભારતમાં પાછા ફરવાની સંખ્યામાં વધારો બજાર પરિપક્વ થવાના સંકેત તરીકે વર્ણવ્યો અને કહ્યું કે તે દર્શાવે છે કે વિદેશી રોકાણકાર કેટલી સરળતાથી ભારતમાં પ્રવેશી શકે છે અથવા બહાર નીકળી શકે છે.

તેમણે કહ્યું કે FDI પ્રવાહ મજબૂત રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં તે લગભગ 14% વધીને 81 બિલિયન ડોલર થયો જે પાછલા વર્ષના 71.3 બિલિયન ડોલર હતો.

એપ્રિલ 2025માં ભારતનો વેપાર મજબૂત રહ્યો

RBI ગવર્નરે એમ પણ કહ્યું કે ચાલુ ખાતાની ખાધ (CAD) 2024-25 માટે ઓછી રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરમાં વેપાર ખાધમાં ઘટાડો થવાની સાથે મજબૂત સેવા નિકાસ અને રેમિટન્સ પણ રહેશે.  વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વેપાર તણાવ છતાં એપ્રિલ 2025માં ભારતનો વેપાર મજબૂત રહ્યો.