- ગત વર્ષે રક્ષાબંધન પર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200નો ઘટાડો કર્યો હતો
- MPના CMએ લાડલી બહેના યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની વાત કરી
- મધ્યપ્રદેશની 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાની કિંમતે ગેસ સિલિન્ડર અપાશે
ભાઈ-બહેનના તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગત વર્ષે રક્ષાબંધનના અવસર પર વડાપ્રધાન મોદીએ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ઘણીવાર જોવા મળે છે કે આ તહેવારના અવસર પર દેશના અલગ-અલગ રાજ્યોમાં સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવે છે. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રક્ષાબંધનના દિવસે મહિલાઓને બસમાં મફત મુસાફરીની ભેટ આપી છે. આ સિવાય મધ્યપ્રદેશ સરકારે LPG સિલિન્ડરને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેનો સીધો ફાયદો મધ્યપ્રદેશની મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવશે.
શું છે એમપી સરકારની જાહેરાત?
થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 'લાડલી બહેના યોજના' હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની વાત કરી હતી. CM મોહન યાદવે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) અને નોન-PMUY (NoN PMUY) હેઠળ ગેસ સિલિન્ડર ધરાવતી રાજ્યની 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાની કિંમતે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયા પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ રૂપિયા 1250ને બદલે 1500 રૂપિયા આપવાનું કહ્યું છે. એટલે કે દર વખતે 250 રૂપિયા વધુ.
ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો
આ પહેલા વર્ષ 2023માં રક્ષાબંધનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના બીજા કાર્યકાળમાં તમામ LPG ગ્રાહકો (33 કરોડ કનેક્શન)ને મોટી ભેટ આપી હતી. આ અંતર્ગત LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગઈ હતી.
મહિલા દિવસ પર સરકારે 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો
મોદી સરકારે 8 માર્ચ 2024ના રોજ મહિલા દિવસના અવસર પર સિલિન્ડરની કિંમતમાં ફરીથી 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ રીતે દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયા થયો હતો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સિલિન્ડરની અસરકારક કિંમત તેમના માટે ઘટીને 503 રૂપિયા થઈ જાય છે.