• 2022માં 38 લાખ કાર્સના વેચાણ સાથે 2018ની ટોચને પાર કરશે

  • ટોચની 10 પેસેન્જર વ્હિકલ્સ ઉત્પાદકોનું વેચાણ 32 ટકા વધ્યું
  • ગયા મહિને 31.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી

દેશમાં કાર ઉત્પાદકો માટે નવેમ્બર મહિનો વિક્રમી વેચાણ દર્શાવતો હતો. વાર્ષિક ધોરણે દેશના ટોચના 10 પેસેન્જર વ્હિકલ ઉત્પાદકોએ ગયા મહિને 31.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને કુલ 3,10,807 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. સેમિકંડક્ટર્સની ઉપલબ્ધિ વધતાં કાર ઉત્પાદકો વધુ યુનિટ્સનું ઉત્પાદન કરી શક્યા હતાં. સતત છઠ્ઠા મહિને કાર ઉત્પાદનમાં વૃદ્ધિનો ક્રમ જળવાયો હતો. ઓટો કંપનીએ ડીલર્સને કરવામાં આવેલા વેચાણને સેલ્સ તરીકે ગણનામાં લે છે. ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટુ પેસેન્જર વ્હિકલ માર્કેટ છે અને તે અગાઉ કેલેન્ડર 2018માં બનાવેલા વિક્રમી કાર વેચાણના વિક્રમને તોડવા તૈયાર જણાય છે એમ મારુતિ સુઝુકીના સિનિયર અધિકારી જણાવે છે. ડિસેમ્બર મહિના સાથે 2022માં કારનું વેચાણ 38 લાખ યુનિટ્સને પાર કરી જવાનો અંદાજ છે. જે ભારતીય બજારમાં કોઈપણ કેલેન્ડરમાં કાર્સનું સૌથી ઊંચું વેચાણ હશે એમ તેઓ ઉમેરે છે. અગાઉ 2018માં ભારતમાં 33 લાખ કાર્સનું સૌથી ઊંચું વેચાણ નોંધાયું હતું. જોકે ત્યારબાદ કોવિડ સહિતની ઘટનાઓને કારણે કારના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં હાથ પર મજબૂત ઓર્ડર બુક હોવાના કારણે કાર ઉત્પાદકોને કેલેન્ડરની સમાપ્તિ વિક્રમી વેચાણ સાથે જોવા મળે એમ જણાઈ રહ્યું છે. ઉદ્યોગ ક્ષેત્રે અત્યારે કુલ ઓર્ડર બુક 7.5 લાખ કાર્સની છે. જ્યારે મારુતિ એકલી જ 3.75 લાખ કાર્સની ઓર્ડર બુક ધરાવે છે. માર્કેટ અગ્રણીએ તમામ સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી. જેમાં એસયૂવી સેગમેન્ટ્સમાં વાર્ષિક 20.6 ટકા વૃદ્ધિ સાથે સ્થાનિક માર્કેટમાં 132,395 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ વેચાણમાં 29.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને તેનું વેચાણ 48,003 યુનિટ્સ પર રહ્યું હતું. કંપની 2022માં તેનું સૌથી ઊંચું વેચાણ દર્શાવવા માટે તૈયાર છે એમ કંપનીના સેલ્સ ડિરેક્ટરે જણાવ્યું હતું. તાતા મોટર્સનું વેચાણ પણ 55 ટકા ઊછળી 46,425 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ 56 ટકા ઊછળી 30,238 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. માત્ર બે કંપનીઓ ટોયોટા અને નિસ્સાન મોટરના વોલ્યુમમાં અનુક્રમે 9.4 ટકા અને 9.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે અન્ય કંપનીઓ કિઆ ઈન્ડિયા, હોન્ડા કાર્સ, એમજી મોટર, સ્કોડા ઓટોએ નવેમ્બરમાં વ્હિકલ વેચાણમાં દ્વિઅંકી વૃદ્ધિ નોંધાવી હતી. સ્કોડા ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટરના જણાવ્યા મુજબ તેમણે તાજેતરમાં જ અગાઉના વિક્રમી વેચાણને પાર કરી નવો રેકર્ડ બનાવ્યો છે અને નવેમ્બર સેલ્સે સાથે ભારત સ્કોડા ઓટો માટે ત્રીજું સૌથી મોટું બજાર બન્યું છે. કંપનીએ 2021ની સરખામણીમાં ચાલુ વર્ષે તેના વાર્ષિક વેચાણને બમણુ બનાવ્યું છે. જોકે રેટ વૃદ્ધિને લઈને તેઓ ભાવિ વેચાણને લઈને થોડી ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. કેમકે રેપો રેટમાં વૃદ્ધિની અસર હવે લેન્ડિંગ રેટ્સ પર પણ પડી રહી છે. દેશમાં દર 10 કાર વેચાણમાંથી 8 કાર્સનું વેચાણ ક્રેડિટ પર થતું હોય છે અને તેથી ફઇનાન્સ એ કારના વેચાણમાં એક મહત્ત્વનું નિર્ણાયક પરિબળ બની રહે છે. સાથે સતત ઊંચા સ્તરે જળવાય રહેલું ઈન્ફ્લેશન પણ અવરોધક બની શકે છે. વિવિધ એજન્સીઝ તરફ્થી દેશના ગ્રોથ રેટમાં કરવામાં આવેલી વૃદ્ધિ થોડી ચિંતા ઉપજાવી રહી છે.


  • Follow us on: