- Invicto કારની કિંમત 24.8 લાખ રૂપિયાથી 28.4 લાખ રૂપિયા હશે
- ઇનવિક્ટો કારને ત્રણ જુદી જુદી શ્રેણીમાં લોન્ચ કરવામાં આવી
- 2 લિટર પેટ્રોલ એન્જિન સાથે સજ્જ છે Maruti Invicto કાર
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ બુધવારે પોતાનું નવું મોડેલ Invicto લોન્ચ કર્યું. Maruti Invicto ના લોન્ચની સાથે કંપનીએ પહેલીવાર 20 લાખથી વધુની કિંમત વાળી શ્રેણીમાં એન્ટ્રી કરી છે.
આ મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) Invicto કારની કિંમત 24.8 લાખ રૂપિયાથી 28.4 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. થ્રી લેયર સિટિંગ વાળી ઇનવિક્ટો કારને ત્રણ જુદી જુદી શ્રેણીમાં લોન્ચ કરવામાં આવી છે. Invicto કાર 2 લિટર પેટ્રોલ એન્જિન સાથે સજ્જ છે. કંપનીને આશા છે કે Invicto ના લોન્ચથી MPV કેટેગરીમાં તેની મજબૂતી ખૂબ વધશે. આ કેટેગરીમાં કંપની પાસે તેની લગભગ 50 ટકા બજાર ભાગીદારી છે.

મારુતિ સુઝુકી આ નવા મોડેલનુ હાઇબ્રીડ વર્ઝન એટલે કે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કાર પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ હાઇબ્રીડ વર્ઝન ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) પાસેથી મેળવશે. ટોયોટા અને સુઝુકી વચ્ચે આ અંગે વૈશ્વિક કરાર કરવામાં આવ્યા છે. TKM પહેલા જ ઈનોવા હાઇક્રોસને સ્થાનિક બજારમાં લોન્ચ કરી ચૂકી છે અને તેની ડિઝાઇન અને કેટલાંક સ્પેસિફિકેશનમાં ફેરફાર કરીને મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) ને મોકલવામાં આવશે.
MSIના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ હિસાશી તાકેઉચીએ કહ્યું છે કે આ મોડેલને નેક્સાના ગ્રાહકોની આધુનિક પસંદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રાન્ડ વિટારા, ફ્રોન્ક્સ અને જીમ્નીને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) શ્રેણીમાં કંપનીની ભાગીદારીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરી છે.
તાકેઉચીએ કહ્યું છે કે એસયુવી શ્રેણીમાં મારુતિ સુઝુકીની ભાગીદારી ગત નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 8.50% થી વધીને ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં લગભગ 20% થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું કે ભારતીય વ્હીકલ માર્કેટની અસીમિત સંભાવનાઓને ધ્યાનમાં રાખીને એમએસઆઈની મૂળ કંપની સુઝુકી મોટર્સ કોર્પોરેશને વર્ષ 2030-31 સુધી 4.32 લાખ કરોડ રૂપિયાનો વૈશ્વિક કારોબારનુ લક્ષ્ય નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનો કારોબાર 2.16 લાખ કરોડ રૂપિયા હતો. તેમણે કહ્યું કે નિશ્ચિત રીતે આ લક્ષ્યને હાંસલ કરવામાં ભારતની ભૂમિકા મહત્વની રહેશે.