- ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ બ્લુ ટિક માટે પૈસા લેશે
- મેટા બ્લુ બેજ સબસ્ક્રિપ્શન મોડલ લાવ્યું છે
- પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ થશે
ટ્વિટર બાદ હવે Facebook અને Instagram પણ બ્લુ ટિક વેરિફિકેશન માટે પૈસા વસૂલશે. મેટાએ યુઝર પ્રોફાઇલ્સ પર બ્લુ બેજ ઓફર કરવા માટે પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. મેટા એ ત્રણેય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે. વેબ પર બ્લુ બેજ માટે સબ્સ્ક્રિપ્શન્સ દર મહિને 11.99 ડોલરથી શરૂ થાય છે. તો iOS પ્લેટફોર્મ પર આ ઑફર દર મહિને 14.99 ડોલરથી શરૂ થશે. આ અઠવાડિયે પ્રથમ વખત આ સર્વિસ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં મળવા લાગશે.
ભારત વિશે કશું કહ્યું નથી

ઝકરબર્ગે કહ્યું, 'અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ સેવા શરૂ કરીશું. ત્યારબાદ તેઓ ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ રોલ આઉટ કરશે. તેના માટે યુઝરને વેબ માટે દર મહિને $11.99 એટલે કે લગભગ 1000 રૂપિયા અને iOS યુઝર્સ માટે $14.99 એટલે કે 1,200 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. ભારતમાં આ સેવા ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
વધારાની સુરક્ષા મળશે
સબ્સ્ક્રિપ્શન લેનાર યુઝર્સ એક ગવર્નમેન્ટ આઇડીથી પોતાના પ્રોફાઇલને વેરિફિકેશન કરાવી શકશે. પ્રોફાઇલ વેરિફિકેશનની સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે સબસ્ક્રિપ્શન બંડલ પણ છેતરપિંડી સામે વધારાની સુરક્ષા પ્રદાન કરશે.
ટ્વિટર આટલા પૈસા લઈ રહ્યું છે
અગાઉ ટ્વિટર બ્લુ ટિક માટે સબસ્ક્રિપ્શન લાવી હતી. ભારતમાં ટ્વિટર યુઝર્સે 'બ્લુ ટિક' મેળવવા માટે મોબાઈલ ફોનના માસિક પ્લાન હેઠળ દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. ટ્વિટરે વેબ માટે ટ્વિટર બ્લુની કિંમત રૂ. 650 અને મોબાઇલ એપ યુઝર્સ માટે રૂ. 900 રાખી છે. ટ્વિટરે કહ્યું કે એકવાર મંજૂર થયા પછી, બ્લુ ગ્રાહકોને વેરિફાઈડ ફોન નંબર સાથે બ્લુ ટિક આપવામાં આવશે. ટ્વિટરે વેબ યુઝર્સ માટે વાર્ષિક પ્લાન રજૂ કર્યો છે. આમાં ગ્રાહકોએ 6,800 રૂપિયા ચૂકવવા પડશે.