વર્ષ પૂરું થવામાં હજુ 2 દિવસ બાકી છે. નવા વર્ષની શરૂઆતની સાથે જ દરેક નાની-મોટી કંપનીઓ તેમના ગ્રોથ પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દેશે. સામાન્ય રીતે કંપનીઓ નવા વર્ષમાં તેમના ગ્રોથ સાથે તેમના વ્યવસાયના વિસ્તરણ પર પણ ધ્યાન આપે છે. પરંતુ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્ષ પૂરું થાય તે પહેલા જ મોટો સોદો કરી લીધો છે. દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેક-આધારિત હેલ્થકેર પ્લેટફોર્મ કારકિનોસ કંપનીને રૂપિયા 375 કરોડમાં હસ્તગત કરી છે.
કંપનીએ આપી જાણકારી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ (RSBVL)એ જરૂરી શેરની ફાળવણી સાથે કારકિનોસ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડનું સંપાદન પૂર્ણ કર્યું છે. 24 જુલાઈ, 2020ના રોજ ભારતમાં Carkinosની રચના કરવામાં આવી હતી અને કંપની કેન્સરની વહેલી તપાસ અને સારવાર માટે ટેક-આધારિત ઉકેલો પ્રદાન કરે છે.
કંપનીએ ડિસેમ્બર 2023 સુધીમાં લગભગ 60 હોસ્પિટલો સાથે ભાગીદારી કરી
આ પહેલા મોટા રોકાણકારોમાં એવર્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (ટાટા સન્સની 100 ટકા સબસિડિયરી), રિલાયન્સ ડિજિટલ હેલ્થ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની), મેયો ક્લિનિક (યુએસ), સુંદર રમન (રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સના ડિરેક્ટર) અને રવિ કાંતનો સમાવેશ થાય છે. કંપની કેન્સરની વહેલી તપાસ અને અસરકારક સારવાર સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે, જેની કિંમત વર્તમાન દરો કરતાં ઘણી ઓછી છે. આમ છતાં કંપની સારો નફો કમાઈ રહી છે. કંપનીએ ડિસેમ્બર 2023 સુધીમાં લગભગ 60 હોસ્પિટલો સાથે ભાગીદારી કરી છે.
મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા કરી હતી શોપિંગ
તમને જણાવી દઈએ કે એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકન કંપનીનો હિસ્સો ખરીદ્યો છે. વાસ્તવમાં આ ડીલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી રિલાયન્સ ડિજિટલ હેલ્થ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. RDHLએ Health Alliance Group Inc સાથે આ સોદો કર્યો છે. રિલાયન્સે 45 ટકા હિસ્સો ખરીદવા માટે 10 મિલિયન ડોલર એટલે કે 84,95,25,000 રૂપિયા ખર્ચ કર્યા છે. RDHLનું મુખ્યાલય ડેલવેરમાં છે. કંપની ગયા વર્ષે 21 ડિસેમ્બરે શરૂ કરવામાં આવી હતી. આ કંપની ભારત અને અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં ગરીબો માટે ટેક-આધારિત ઉકેલો તૈયાર કરે છે. આ કંપની હેલ્થકેર, આઈટી અને ઈનોવેશન પર કામ કરે છે.