દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જંગી નફો કમાવવાની તૈયારીમાં છે. એક અહેવાલ મુજબ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલા બ્લુ ચિપ કંપનીમાં 500 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા અને હવે તે આ શેર વેચવાની તૈયારી કરી રહી છે. જેના કારણે કંપનીને તગડો નફો મળશે, કંપનીને લગભગ 2000% સુધીનું વળતર મળી શકે છે.
10,000 કરોડની કમાણી કરશે મુકેશ અંબાણી
તમને જણાવી દઈએ કે 2008ની વૈશ્વિક મંદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એશિયન પેઈન્ટના રૂપિયા 500 કરોડના શેર ખરીદ્યા હતા. આ રોકાણ હવે વધીને રૂપિયા 10,500 કરોડ થયું છે. જો કે આમાં ડિવિડન્ડ ઉમેરવામાં આવ્યું નથી. જો ડિવિડન્ડ ઉમેરવામાં આવે તો આ વળતર 20 ગણાને બદલે 24 ગણું થશે. RILએ તેની રોકાણ શાખા ઓજસ્વી ટ્રેડિંગ દ્વારા જાન્યુઆરી 2008માં એશિયન પેઈન્ટ્સમાં 4.9% હિસ્સો ખરીદ્યો હતો, જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી અને લેહમેન બ્રધર્સના પતનને કારણે બજારોમાં ઉથલપાથલ મચી ગઈ હતી.
રિલાયન્સ હવે શેર વેચવાની તૈયારીમાં
એક અહેવાલ મુજબ રિલાયન્સે 2 દાયકા બાદ હવે એશિયન પેઈન્ટ્સમાં તેનો સંપૂર્ણ 4.9% હિસ્સો વેચવાની યોજના ફરી શરૂ કરી છે, કંપનીનું આ પગલું ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં એશિયન પેઈન્ટ્સના શેરમાં 25%નો ઘટાડો થયો છે, જેના કારણે તે તે સમયગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા બ્લુ ચિપ શેરોમાંનો એક બન્યો છે.
એશિયન પેઇન્ટ્સનો હિસ્સો ઝડપથી ઘટી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે એશિયન પેઈન્ટ્સનો બજાર હિસ્સો નાણાકીય વર્ષ 2025માં 59%થી ઘટીને 52% થઈ ગયો છે. આ ઘટાડો ખૂબ જ ઝડપી છે. એશિયન પેઇન્ટ્સના સીઈઓ અમિત સિંગલાએ તાજેતરમાં રોકાણકારોને જણાવ્યું હતું કે અમારું માનવું છે કે એક બ્રાન્ડ તરીકે આપણે સ્પર્ધાનો સામનો કરવા માટે વધુ ટકાઉ રીતે પગલાં લેવાની જરૂર છે.