દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વધુ એક બિઝનેસમાં પોતાનો હાથ અજમાવવા જઈ રહ્યા છે અને તેને લઈને જરૂરી મંજૂરીઓ પણ મળી ચૂકી છે. મુકેશ અંબાણીની કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને બ્લેકરોકના જોઈન્ટ વેન્ચર - જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને સેબીએ મંજૂરી આપી દીધી છે. હવે જિયો બ્લેકરોકને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે SEBIની મંજૂરી મળી ચૂકી છે.
જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના શેર ખરીદવામાં પડાપડી
જણાવી દઈએ કે આ મંજૂરી બાદ કંપની ટૂંક સમયમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ જાહેરાત બાદ રોકાણકારોમાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના શેર ખરીદવા માટે પડાપડી થઈ રહી છે. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ, કંપનીનો શેર BSE પર 3.35% ના વધારા સાથે રૂપિયા 291.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બ્લેકરોક ખાતે ઈન્ટરનેશનલ હેડ રશેલ લોર્ડે જણાવ્યું કે જિયો બ્લેકરોક દ્વારા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે સિદ સ્વામિનાથનની નિમણુંક કરવામાં આવી છે. બ્લેકરોક ખાતે ઈન્ટરનેશનલ ઇન્ડેક્સ ઇક્વિટીના ભૂતપૂર્વ વડા, સિદ સ્વામિનાથન, $1.25 ટ્રિલિયનની સંપત્તિનું મેનેજમેન્ટ કરે છે. આ પહેલા તેમણે બ્લેકરોક ખાતે યુરોપ માટે ફિક્સ્ડ ઈન્કમ પોર્ટફોલિયો મેનેજમેન્ટના વડા તરીકે સેવા આપી હતી. "આજે ભારતમાં એસેટ મેનેજમેન્ટની તક ખુબ જ છે. જિયો બ્લેકરોકની ડિજિટલ-પ્રથમ ગ્રાહક દરખાસ્ત રોકાણકારોને ઓછા ખર્ચે સંસ્થાકીય ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સીધા જ પ્રદાન કરશે. પોતાના ભાગીદાર JFSL સાથે અમે દેશના સતત વિકાસમાં યોગદાન આપવા માટે આતુર છીએ.
કેટલા કરોડનું રોકાણ કરવામાં આવ્યું?
જાન્યુઆરી મહિનામાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડે જાણકારી આપી હતી કે તેના ભાગીદાર બ્લેકરોકે આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રૂ. 117 કરોડનું રોકાણ કર્યું છે. બંને કંપનીઓએ 50:50 ટકાની ભાગીદારીમાં કામ કર્યું છે અને દરેકે 5.85 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આ શેરની કિંમત 10 રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે બંને કંપનીઓએ સમાન રીતે રોકાણ કર્યું છે. બંનેએ 82.5 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડીનું રોકાણ કર્યું છે. જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડે અગાઉ 29 ઓક્ટોબર 2024ના રોજ માહિતી આપી હતી કે તેણે બે કંપનીઓ બનાવી છે. જેમનું નામ જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, જિયો બ્લેકરોક ટ્રસ્ટી પ્રાઈવેટ લિમિટેડ છે.