આજના સમયમાં મકાન ભાડે આપવું સામાન્ય બાબત છે, તે કમાણીનું એક સારું સાધન બની શકે છે. પરંતુ માત્ર ભાડું નક્કી કરીને ચાવી સોંપી દેવી યોગ્ય રીત નથી. મકાનમાલિકે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ.
જેમ કે, ભાડુઆત સાથે શરૂઆતમાં જ જરૂરી દસ્તાવેજો બનાવડાવી લેવાં જોઈએ. તેનાથી ભાડું, મકાનની સ્થિતિ અને ભાડુઆતની ઓળખને લઈને પાછળથી થતી મુશ્કેલીઓ ઘટાડી શકાય છે. મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે આ 4 દસ્તાવેજો હોવા જરૂરી છે.
ભાડા કરારની નકલ જરૂર રાખો
સૌથી પહેલો અને જરૂરી દસ્તાવેજ ભાડા કરાર છે. આ કરારમાં મકાનમાલિક અને ભાડુઆતની માહિતી સાથે ભાડાની રકમ, સિક્યુરિટી ડિપોઝિટ, ભાડાની અવધિ અને અન્ય શરતો લખી શકાય છે. આ દસ્તાવેજ ભાડાની શરતોને લેખિત સ્વરૂપમાં નક્કી કરે છે. મકાનમાલિકે તેની એક નકલ પોતાની પાસે જરૂર રાખવી જોઈએ.
ભાડુઆતનું ઓળખપત્ર
ભાડુઆતની ઓળખ સાથે જોડાયેલું માન્ય ઓળખપત્ર પણ રેકોર્ડમાં રાખો. આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અન્ય માન્ય ઓળખપત્ર લઈ શકાય છે. અલગ-અલગ સ્થળોએ પોલીસ ચકાસણી માટે સ્વીકારવામાં આવતા દસ્તાવેજોની યાદી અલગ હોઈ શકે છે. તેથી પાછળથી મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક નિયમોની જાણકારી મેળવી લેવી જોઈએ.
ભાડુઆતનું કાયમી સરનામું
ભાડુઆતનું કાયમી સરનામું લેખિતમાં લેવું પણ ઉપયોગી છે. ઘણા પોલીસ ચકાસણી ફોર્મમાં વર્તમાન, અગાઉનું અને કાયમી સરનામું જેવી માહિતી માંગવામાં આવે છે. આ માહિતીનો રેકોર્ડ મકાનમાલિકે સુરક્ષિત રાખવો જોઈએ.
ભાડુઆતનો ફોટો અને સંપર્કની માહિતી
ભાડુઆતનો તાજેતરનો ફોટો અને મોબાઇલ નંબર પણ રેકોર્ડમાં રાખો. આ ઉપરાંત, કટોકટીના સમયે સંપર્ક કરી શકાય તેવી વ્યક્તિની માહિતી લેવી પણ ઉપયોગી બની શકે છે. પોલીસની ભાડુઆત ચકાસણી માટેના ફોર્મમાં પણ ભાડુઆતની વ્યક્તિગત અને સંપર્કને લગતી માહિતી માંગવામાં આવે છે.