અદાણી ગ્રુપના એરપોર્ટ બિઝનેસને વધુ મજબૂત બનાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝિસે મોટી રોકાણ સમજૂતી કરી છે.કંપનીની એરપોર્ટ એકમ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સમાં નવા શેર જારી કરીને લગભગ 1 અબજ ડોલર એટલે કે આશરે 9,825 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે.આ રોકાણમાં વિશ્વની જાણીતી રોકાણ કંપનીઓ ટૅમાસેક,બ્લૅકરૉક,પ્રેમજી ઇન્વેસ્ટ અને આલ્ફા વેવ સહિતના રોકાણકારો સામેલ છે. આ સોદા બાદ નવા રોકાણકારોની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સમાં મહત્તમ 5.54% હિસ્સેદારી રહેશે.જોકે,કંપનીનું નિયંત્રણ અદાણી એન્ટરપ્રાઇઝિસ પાસે જ રહેશે.આ મોટી ડીલના સમાચાર સામે આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી.

ક્યાં કયાં ઇન્વેસ્ટ કરવામાં આવશે 9,825 કરોડ રૂપિયા?

આ સોદા હેઠળ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ નવા શેર જારી કરશે અને તેના દ્વારા કંપનીમાં નવી મૂડી આવશે.આ નાણાંનો ઉપયોગ એરપોર્ટ બિઝનેસના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે કરવામાં આવશે.કંપની પોતાના હાલના એરપોર્ટ નેટવર્કને વધુ સુવિધાસભર બનાવવાની સાથે એરપોર્ટ સાથે જોડાયેલા બિઝનેસ માળખાના વિકાસ પર પણ ધ્યાન આપશે.આ ઉપરાંત ગ્રાઉન્ડ હૅન્ડલિંગ,મુસાફરોને આપવામાં આવતી સેવાઓ અને અન્ય સંબંધિત વ્યવસાયોને પણ વિસ્તારવામાં આવશે.એટલે કે આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર હાલના એરપોર્ટનું વિસ્તરણ નહીં,પરંતુ સમગ્ર એરપોર્ટ બિઝનેસને વધુ મજબૂત બનાવવાનો છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સનું મૂલ્ય કેટલું?

આ રોકાણ સોદા પહેલાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સનું અંદાજિત મૂલ્ય લગભગ 18 અબજ ડોલર માનવામાં આવે છે.જોકે, કંપનીએ હજુ સુધી દરેક રોકાણકાર કેટલી રકમનું રોકાણ કરશે અને તેમને કયા ભાવે શેર આપવામાં આવશે તેની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી.આ રોકાણકારોના સમૂહમાં ટૅમાસેકની જોગસોંગ ઇન્વેસ્ટમેન્ટ્સ, આલ્ફા વેવ, પ્રેમજી ઇન્વેસ્ટનું પી.આઈ. અપૉર્ચ્યુનિટીઝ ફંડ અને બ્લૅકરૉક દ્વારા સંચાલિત વિવિધ વૈશ્વિક ફંડનો સમાવેશ થાય છે.

ડીલના સમાચાર આવતા જ શેરમાં તેજી

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સમાં 9,825 કરોડ રૂપિયાના મોટા રોકાણના સમાચાર બાદ અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો.આ સમાચાર લખાય ત્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 5.93%ના વધારા સાથે 175.10 રૂપિયા વધીને 3,128.20 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.બજારમાં કંપનીના ભવિષ્યના વિસ્તરણ અને એરપોર્ટ બિઝનેસની વૃદ્ધિની સંભાવનાઓને લઈને સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.

દેશના 8 મોટા એરપોર્ટનું સંચાલન કરશે

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ ભારતની મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક છે. કંપની દેશના 8 મોટા એરપોર્ટનું સંચાલન કરે છે, જેમાં મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે.આ એરપોર્ટ્સ દ્વારા ભારતના કુલ મુસાફર હવાઈ પરિવહનનો આશરે 25% હિસ્સો અને એર કાર્ગોનો લગભગ 33% હિસ્સો સંભાળવામાં આવે છે.આ મોટી રોકાણ ડીલને અદાણી ગ્રુપના એરપોર્ટ બિઝનેસમાં વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. ભારતનું હવાઈ પરિવહન ક્ષેત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે ત્યારે આ મૂડીથી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ આગામી વર્ષોમાં પોતાના વ્યવસાયને વધુ વિસ્તારી શકે છે.

અદાણી ગ્રુપ માટે કેમ મહત્વની છે આ ડીલ?

અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે આ રોકાણ માત્ર મૂડી એકત્ર કરવાની ડીલ નથી.આ સોદો કંપનીના એરપોર્ટ બિઝનેસને લાંબા ગાળે વિસ્તરણ આપવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.નવા વૈશ્વિક રોકાણકારોની એન્ટ્રીથી કંપનીને મૂડી સાથે વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ પણ મળ્યો છે. હવે જોવામાં આવશે કે 9,825 કરોડ રૂપિયાની નવી મૂડીનો ઉપયોગ કરીને અદાણી ગ્રુપ પોતાના એરપોર્ટ બિઝનેસને કેટલી ઝડપથી વિસ્તારે છે.

આ પણ વાંચો - NSE IPO: NSEનો IPO રચશે ઇતિહાસ? જાણો પ્રાઇઝ બેન્ડથી લઇને લિસ્ટિંગ સુધીની દરેક ડિટેલ