ગૌતમ અદાણીની કંપની અદાણી એરોસ્પેસ, ટૂંક સમયમાં હેલિકોપ્ટર ઉત્પાદનમાં જોડાશે, તેણે ઈટાલિયન સંરક્ષણ દિગ્ગજ લિયોનાર્ડો સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને વૈશ્વિક સંરક્ષણ દિગ્ગજ લિયોનાર્ડોએ ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદનને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. બંને કંપનીઓએ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતીય સશસ્ત્ર દળોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરાશે

આ ભાગીદારી ભારતમાં સંપૂર્ણ હેલિકોપ્ટર ડિઝાઈન, ઉત્પાદન અને જાળવણી (MRO) ઈકોસિસ્ટમ વિકસાવશે. તેનું પ્રાથમિક ધ્યાન ભારતીય સશસ્ત્ર દળોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવાનું છે. ખાસ કરીને લિયોનાર્ડોના AW169M અને AW109 TrekkerM હેલિકોપ્ટર માટે દેશમાં જ ઉત્પાદન અને સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.

સિવિલ હેલિકોપ્ટર બનાવવામાં પણ મદદ મળશે

કંપનીઓના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ ધીમે ધીમે સ્વદેશીકરણ, પાયલટ ટ્રેનિંગ અને મજબૂત સપ્લાય ચેઈન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભવિષ્યમાં આ સિસ્ટમનો ઉપયોગ નાગરિક હેલિકોપ્ટરની જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય પુરવઠા માટે થઈ શકે છે. અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના જણાવ્યા મુજબ આ ભાગીદારી ભારતને હેલિકોપ્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું છે અને દેશમાં ઉચ્ચ-કુશળ નોકરીઓ માટે નવી તકો ઊભી કરશે.

10 વર્ષમાં 1,000થી વધુ હેલિકોપ્ટરની જરૂર પડશે

ભારતીય સશસ્ત્ર દળોને આગામી 10 વર્ષમાં 1,000થી વધુ હેલિકોપ્ટરની જરૂર પડશે અને આ ભાગીદારી સ્થાનિક સ્તરે તે માગને પૂર્ણ કરવામાં મદદ કરશે. લિયોનાર્ડો હેલિકોપ્ટરના એમડી ગિયાન પિએરો કુટિલોના મતે ભારતીય સંરક્ષણ કંપની સાથે કામ કરવું એ ભારતના હેલિકોપ્ટર ઉદ્યોગને અત્યાધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક ક્ષમતાઓ પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ભાગીદારીને આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાઓ અને ઔદ્યોગિક ક્ષમતા બંનેને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો : Dollar VS Rupees: રૂપિયાએ મારી છલાંગ, ડોલરની મુકાબલે જબરદસ્ત તેજી