અદાણીએ કરી સૌથી મોટી જાહેરાત
ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા કોર્પોરેટ જગતમાં એક ધમાકેદાર જાહેરાત કરવામાં આવી છે. અદાણી પોર્ટ્સે કેરળમાં આવેલા ભારતના પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ 'વિઝિન્ઝમ પોર્ટ' (Vizhinjam Port) માં પોતાનો 49 ટકા હિસ્સો સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત વિશ્વની સૌથી મોટી કન્ટેનર શિપિંગ લાઇન MSC ગ્રૂપની કંપની 'ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ' (TiL) ને વેચવા માટે કરાર કર્યા છે. આ મેગા ડીલ આશરે 1.397 અબજ ડોલર (આશરે રૂ. 11,600 કરોડથી વધુ) માં થઈ છે, જેનાથી વિઝિન્ઝમ પોર્ટનું કુલ વેલ્યુએશન 2.85 અબજ ડોલર આંકવામાં આવ્યું છે.
ભારતીય પોર્ટ સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું FDI
અદાણી ગ્રૂપના જણાવ્યા અનુસાર, આ રોકાણ ભારતીય પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી ખાનગી રોકાણ (FDI) છે. આ કરાર બાદ પણ અદાણી પોર્ટ્સ પાસે કંપનીમાં 51 ટકા બહુમતી હિસ્સો અને બોર્ડનું નિયંત્રણ રહેશે, જેના કારણે વિઝિન્ઝમ પોર્ટ અદાણીની પેટાકંપની તરીકે જ કામ કરવાનું ચાલુ રાખશે. આ રોકાણ બે તબક્કામાં કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં TiL હિસ્સો ખરીદવા માટે 539 મિલિયન ડોલર ચૂકવશે, જ્યારે બાકીના 858 મિલિયન ડોલર ડિસેમ્બર 2028 સુધીમાં પોર્ટના ચાલી રહેલા વિસ્તરણ કાર્યોમાં ઇક્વિટી અને ડેટ તરીકે રોકવામાં આવશે.
