એર ઈન્ડિયાએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો અને એકમાત્ર બચી ગયેલા મુસાફરોના પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. શનિવારે (14 જૂન) એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે 25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવામાં આવશે. આ પહેલા ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
એરલાઈને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા હાલનાં અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એકતામાં ઉભી છે. અમારી ટીમો આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ સહાય રકમ ટાટા સન્સ દ્વારા અગાઉ જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયા સિવાયની છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે આ દુઃખદ સમયમાં પીડિતોની સાથે છે અને તેના કર્મચારીઓ તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે સતત કામ કરી રહ્યા છે.










