કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ હવે માત્ર કામ સરળ બનાવવા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ સાયબર ગુનેગારો પણ મોટા પાયે ઓનલાઈન હુમલાઓ કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરના એક સાયબર સુરક્ષા અહેવાલમાં ધડાકો થયો છે કે સાયબર ગુનેગારોએ AI એજન્ટોનો ઉપયોગ કરીને લેટિન અમેરિકાની 400થી વધુ બેંકો અને નાણાકીય સંસ્થાઓને નિશાન બનાવી હતી. આ ઘટનાએ સમગ્ર બેંકિંગ ક્ષેત્રની ડિજિટલ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ક્લાઉડ, ગ્રોક અને કિમી જેવા પ્રખ્યાત AI મોડેલોનો ઉપયોગ

રિપોર્ટ અનુસાર, સાયબર હુમલાખોરોએ આખી સિસ્ટમ ચલાવવા માટે અલગ-અલગ AI મોડેલોને જુદી-જુદી જવાબદારીઓ સોંપી હતી. જેમાં એન્થ્રોપિકના 'ક્લાઉડ' (Claude), સ્પેસએક્સ/xAI સાથે સંકળાયેલા 'ગ્રોક' (Grok) અને ચીની કંપની મૂનશૂટ AI ના 'કિમી' (Kimi) મોડેલનો સમાવેશ થાય છે. આ AI મોડેલ્સનો ઉપયોગ હુમલાઓનું આયોજન કરવા, ટાર્ગેટ સંસ્થાઓની માહિતીનું વિશ્લેષણ કરવા અને સાયબર પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે કરવામાં આવ્યો હતો. આ સિવાય AI ની સુરક્ષા મર્યાદાઓ (Jailbreak) તોડીને તેમની પાસે પ્રતિબંધિત કાર્યો પણ કરાવવામાં આવ્યા હતા.

'CARLIY0S' સિસ્ટમ બેંકો બની નિશાન

સાયબર સિક્યુરિટી ફર્મ 'શ્રેટકર' (ThreatRer) ના રિપોર્ટ મુજબ, 'સાયબર કાર્ટેલ' નામના ગુનેગારોના જૂથે CARLIY0S નામની એક ખાસ સિસ્ટમ તૈયાર કરી હતી. આ સિસ્ટમનો મુખ્ય હેતુ સંભવિત લક્ષ્યોની માહિતી એકત્રિત કરવાનો, સુરક્ષામાં રહેલી ખામીઓ કે નબળાઈઓ શોધવાનો અને હુમલાની વ્યૂહરચના બનાવવાનો હતો. AI એજન્ટોના ઉપયોગને કારણે માનવ હસ્તક્ષેપ વિના ખૂબ જ ઓછી મહેનતે એકસાથે સેંકડો સંસ્થાઓને નિશાન બનાવવાનું શક્ય બન્યું હતું. CARLIY0Sનો ઉપયોગ કરી 400થી વધુ બેંકોને નિશાન બનાવવામાં આવી.

પાસવર્ડ, બેંકિંગ ડેટા અને API કી જોખમમાં

તપાસ દરમિયાન સાયબર ગુનેગારોની આ સિસ્ટમમાંથી અત્યંત સંવેદનશીલ નાણાકીય માહિતી અને લોગિન વિગતો મળી આવી છે. જેમાં યુઝર પાસવર્ડ, એકાઉન્ટ ડિટેલ્સ અને API કી જેવો મહત્વપૂર્ણ ડિજિટલ એક્સેસ ડેટા શામેલ હતો. આ ડેટાનો દુરુપયોગ ગ્રાહકોની અંગત વિગતો અને ડિજિટલ પેમેન્ટ સેવાઓની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. જોકે, 400થી વધુ સંસ્થાઓ નિશાને હોવાનો અર્થ એ નથી કે બધા ખાતાઓમાંથી ચોરી થઈ ચૂકી છે.

AI કંપનીઓ અને બેંકો માટે વધતો મોટો પડકાર

આ ઘટના બહાર આવ્યા બાદ શ્રેટકરે સંબંધિત AI કંપનીઓ સાથે વિગતો શેર કરી હતી, જેના આધારે એન્થ્રોપિકે ગુનેગારો દ્વારા ક્લાઉડ મોડેલનો ઉપયોગ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લીધાં હતાં. હાલ નિષ્ણાતો માટે સૌથી મોટો પડકાર એ છે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ ઝડપથી વિકસતા આ AI આધારિત સાયબર જોખમો સામે કેવી રીતે સુરક્ષિત રહે. AI ના કારણે હુમલાઓનો વ્યાપ અને ઝડપ બંને વધી ગયા છે, જેથી હવે કંપનીઓએ સુરક્ષા ઓડિટિંગ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખતી સિસ્ટમને વધુ મજબૂત બનાવવી પડશે.


આ પણ વાંચો : Driving Licence Rules: ડ્રાઇવિંગ લાયસન્સના બદલાઈ જશે નિયમ? હવે 60% નહીં પણ 75% મેળવવા પડશે માર્ક્સ