છ વર્ષ પહેલાં શરૂ થયેલી AI કંપની એન્થ્રોપિકના શેર ગુરુવારે અમેરિકાના શેરબજારમાં લિસ્ટ થયા હતા. કંપનીએ IPO દ્વારા 81.3 અબજ ડોલર એટલે કે આશરે રૂ.7 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ સાથે જ તે વિશ્વનો સૌથી મોટો IPO બની ગયો છે. એન્થ્રોપિકે આ મામલે સ્પેસએક્સનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

કંપનીનો શેર 83 ડોલરની ઇશ્યૂ કિંમતની સરખામણીએ 34 ટકા વધીને 111.50 ડોલર પર લિસ્ટ થયો હતો. જોકે, દિવસના અંતે શેર 17 ટકાની તેજી સાથે 97.17 ડોલર પર બંધ થયો હતો.

એન્થ્રોપિકના આ IPO બાદ કંપનીના 400થી વધુ કર્મચારીઓની સંપત્તિ 100 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ.900 કરોડથી વધુ થઈ ગઈ છે. જ્યારે Hill.comના અંદાજ મુજબ, કંપનીના 2,800 કર્મચારીઓ ઓછામાં ઓછા 10 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ.93 કરોડની સંપત્તિના માલિક બની ગયા છે.

જોકે, લોક-અપ પિરિયડ એટલે કે શેર વેચવા પર લાગેલા પ્રતિબંધને કારણે કર્મચારીઓ થોડા સમય સુધી આ શેર વેચી શકશે નહીં. કંપનીમાં આશરે 5,000 કર્મચારીઓ કામ કરે છે.

એન્થ્રોપિકના IPOના અવસરે ન્યૂયોર્ક સ્થિત Nasdaq MarketSite ખાતે કંપનીના CEO ડારિયો એમોડેઈ અને તેમની પત્ની કેમિલા ક્લાર્ક પહોંચ્યાં હતાં.

અમેરિકાની સાતમી સૌથી મોટી કંપની બની

ગુરુવારે શેરબજાર બંધ થયું ત્યાં સુધીમાં એન્થ્રોપિકની કુલ માર્કેટ વેલ્યુ આશરે 1.8 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.160 લાખ કરોડ થઈ ગઈ હતી. કારોબાર દરમિયાન એક સમયે કંપનીનું મૂલ્યાંકન 2 ટ્રિલિયન ડોલરને પણ પાર કરી ગયું હતું.

આ મૂલ્યાંકન સાથે માત્ર પાંચ વર્ષ જૂની આ કંપની અમેરિકાની સાતમી સૌથી મોટી કંપની બની ગઈ છે. હવે તેના કરતાં આગળ માત્ર Apple, Microsoft, Nvidia, Alphabet (Google), Amazon અને SpaceX છે.

રૂ.7 લાખ કરોડ એકત્ર કર્યા, SpaceXનો રેકોર્ડ તોડ્યો

કંપનીએ IPO દ્વારા 81.3 અબજ ડોલર એટલે કે આશરે રૂ.7 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ રકમ આ જ વર્ષે જૂનમાં એલન મસ્કની કંપની SpaceX દ્વારા એકત્ર કરવામાં આવેલા 75 અબજ ડોલર કરતાં વધુ છે.

આ ઉપરાંત, Google, Microsoft અને Nvidia જેવી ટેક કંપનીઓ પાસેથી અલગ-અલગ રોકાણના માધ્યમથી એન્થ્રોપિકને 26 અબજ ડોલર એટલે કે આશરે રૂ.2.43 લાખ કરોડ મળ્યા છે.

ટેક સેક્ટરમાં ઘટાડા વચ્ચે મહત્ત્વપૂર્ણ લિસ્ટિંગ

એન્થ્રોપિકનું આ લિસ્ટિંગ એવા સમયે થયું છે જ્યારે વૈશ્વિક શેરબજારોમાં AI ક્ષેત્રના મોટા ખર્ચને લઈને રોકાણકારોની ચિંતા વધી રહી છે.

ટેક કંપનીઓના મૂલ્યાંકન અને તેમના ખર્ચની સ્થિરતા અંગે ઊભા થયેલા સવાલોને કારણે Nasdaq-100 ઇન્ડેક્સ તેની ઊંચી સપાટીથી 10 ટકા ઘટી ગયો છે.આ ઉપરાંત, તાજેતરમાં ચિપ નિર્માતા કંપની Nvidiaમાંથી જેન્સન હુઆંગ બહાર થઈ રહ્યા હોવાના અહેવાલે પણ ટેક રોકાણકારોની ચિંતા વધારી છે.

આવા માહોલમાં એન્થ્રોપિકના IPOને મળેલો મજબૂત પ્રતિસાદ બજારના સેન્ટિમેન્ટ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Anthropic IPO

ભારતીય રોકાણકારો માટે શું ખાસ છે?

એન્થ્રોપિકે પોતાના ઇન્ટરનેશનલ રિટેલ ઓફરમાં ભારતનો સમાવેશ કર્યો નહોતો. આ કારણે ભારતીય રોકાણકારો IPOમાં સીધું અરજી કરી શક્યા નહોતા. જોકે, હવે Nasdaq પર શેરનું ટ્રેડિંગ શરૂ થયા બાદ ભારતીય રોકાણકારો એવા સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ એપ્સ દ્વારા 'ANT' શેર ખરીદી શકે છે, જે અમેરિકાના શેરબજારમાં રોકાણ કરવાની સુવિધા આપે છે.

Anthropic IPO

છ વર્ષ પહેલાં OpenAIથી અલગ થઈને કંપની શરૂ કરી હતી

એન્થ્રોપિકની આ સફળતા એટલા માટે પણ ખાસ છે કારણ કે તેની શરૂઆત માત્ર છ વર્ષ પહેલાં થઈ હતી. કેટલાક સંશોધકોએ ChatGPT બનાવતી કંપની OpenAI છોડીને પોતાની અલગ કંપની સ્થાપી હતી.

તેમનો ઉદ્દેશ્ય એવું AI તૈયાર કરવાનો હતો, જે વધુ સુરક્ષિત અને વિશ્વસનીય હોય. આજે છ વર્ષ બાદ એ જ સ્થાપકોએ અમેરિકાના શેરબજારમાં ઓપનિંગ બેલ વગાડી પોતાની કંપનીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓની હરોળમાં ઊભી કરી દીધી છે.

2021માં ડારિયો એમોડેઈએ કંપની શરૂ કરી હતી

એન્થ્રોપિકની શરૂઆત વર્ષ 2021માં ChatGPT બનાવતી કંપની OpenAIમાંથી અલગ થયેલા ડારિયો એમોડેઈ, તેમની બહેન ડેનિએલા એમોડેઈ સહિત કુલ સાત લોકોએ કરી હતી. કંપનીનું મુખ્ય પ્રોડક્ટ 'Claude' ચેટબોટ છે, જેને ChatGPTનો સૌથી મોટો હરીફ માનવામાં આવે છે.

આ પણ વાંચો:Khatu Shyam Temple Fire: ખાટૂ શ્યામજીના જન્મોત્સવ વચ્ચે રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, મંદિર નજીક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ; સિલિન્ડરમાં બ્લાસ્ટ