દિગ્ગજ ઈ-કોમર્સ અને ટેક કંપની એમેઝોને (Amazon) છટણીનો વધુ એક રાઉન્ડ અમલમાં મૂક્યો છે, જેના કારણે આશરે 250 કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. કંપનીએ આ કાપ મુખ્યત્વે તેના ડિવાઇસ યુનિટમાં કર્યો છે, જે પ્રસિદ્ધ કિન્ડલ ઇ-રીડર અને ઇકો સ્માર્ટ સ્પીકર જેવા ઉત્પાદનો બનાવે છે. અહેવાલો મુજબ, આ છટણીમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કરતા હોદ્દાઓને સૌથી વધુ અસર થઈ છે.

વહેલી સવારે ઈમેઈલ મોકલી જાણ કરાઈ

એમેઝોને અસરગ્રસ્ત કર્મચારીઓને વહેલી સવારે ઈમેઈલ અને ટેક્સ્ટ મેસેજ મોકલીને નોકરીમાંથી મુક્ત કરવાની જાણ કરી હતી. એમેઝોનના વાઇસ પ્રેસિડેન્ટ ચેરી રોબિન્સને મોકલેલા ઈમેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીએ તેના માળખાની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ આ ચોક્કસ હોદ્દાઓ દૂર કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે અગાઉ મેટા અને ઓરેકલ જેવી કંપનીઓએ પણ આ જ પ્રકારે વહેલી સવારે ઈમેઈલ મોકલીને કર્મચારીઓની બરતરફીની જાહેરાત કરી હતી.

છટણી પાછળનું મુખ્ય કારણ

કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ કાપથી એમેઝોનને વધુ કાર્યક્ષમ રીતે કામ કરવામાં અને પોતાના પ્રોડક્ટ રોડમેપ સાથે સુસંગત રહેવામાં મદદ મળશે. તાજેતરમાં એમેઝોને તેના એન્જિનિયરિંગ નેતૃત્વ તરફથી એક મેમો પણ જારી કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં સોફ્ટવેર એન્જિનિયરિંગમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. દરેક કર્મચારીએ આ ટેક્નોલોજી ફેરફારને સ્વીકારવો પડશે.ચોંકાવનારી વાત એ છે કે આ છટણી એવા સમયે આવી છે જ્યારે કંપનીએ નવા ઇકો શો 16 સ્માર્ટ ડિસ્પ્લે, એલેક્સા ફોટો ફ્રેમ અને બેડસાઇડ ક્લોક જેવા પાંચ નવા એલેક્સા ઉપકરણો રજૂ કર્યા છે.

ટેક ક્ષેત્રે વધતું નોકરીઓનું સંકટ

એમેઝોન દ્વારા છટણીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ મહિનાની શરૂઆતમાં જ કંપનીએ રિટેલ વિભાગમાંથી 1,000 કર્મચારીઓને કાઢ્યા હતા, જ્યારે જાન્યુઆરીમાં 16,000 પદો નાબૂદ કર્યા હતા. કંપની એક તરફ કર્મચારીઓની કાપ મૂકી રહી છે તો બીજી તરફ AI ટેક્નોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે.

1,35,000 થી વધુ ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી

હાલ માત્ર એમેઝોન જ નહીં, પરંતુ સમગ્ર ટેક જગતમાં મંદીનો વાયરો છે. Layoffs.fyi ના આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 1,35,000 થી વધુ ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી છે, જેમાં ડ્રોપબોક્સ અને માઇક્રોસોફ્ટ જેવી અગ્રણી કંપનીઓ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ સ્પેસમાં બનશે હવે પેટ્રોલ પંપ, આ દેશે કરી દીધી કમાલ