ગયા અઠવાડિયે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને મહિનાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં બજારનો મુખ્ય સૂચકાંક, સેન્સેક્સ, લગભગ 1,000 પોઈન્ટ ઘટીને બંધ થયો. બજારની સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન કંપનીઓ પર પણ તેની અસર જોવા મળી. જેમાં સેન્સેક્સની 10માંથી 6 કંપનીઓની માર્કેટકેપમાં ઘટાડો થયો. જ્યારે ફક્ત 4 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટકેપમાં મોટો વધારો થયો
ગયા સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 સૌથી વધારે માર્કેટકેપ કંપનીઓમાંથી 4 કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે ₹95,447.38 કરોડનો વધારો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટકેપમાં મોટો વધારો થયો હતો. ટોચની 10 કંપનીઓમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન HDFC બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં સામૂહિક રીતે ₹91,685.94 કરોડનો ઘટાડો થયો હતો.
આ કંપનીઓના માર્કેટકેપમાં થયો વધારો
ગયા અઠવાડિયામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ ₹47,431.32 કરોડ વધીને ₹20,11,602.06 કરોડ થયું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટકેપ સપ્તાહ દરમિયાન ₹30,091.82 કરોડ વધ્યું, જેનાથી તેનું મૂલ્ય ₹8,64,908.87 કરોડ થયું. ભારતી એરટેલનું માર્કેટકેપ ₹14,540.37 કરોડ વધીને ₹11,71,554.56 કરોડ થયું અને LICની માર્કેટકેપ ₹3,383.87 કરોડ વધીને ₹5,65,897.54 કરોડ થઈ છે.
આ કંપનીઓના માર્કેટ કેપમાં થયો ઘટાડો
તેનાથી વિપરીત, બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ ₹29,090.12 કરોડ ઘટીને ₹6,48,756.24 કરોડ થયું. ICICI બેન્કનું માર્કેટ કેપ ₹21,618.9 કરોડ ઘટીને ₹961,127.86 કરોડ થયું. ઈન્ફોસિસનું માર્કેટ કેપ ₹17,822.38 કરોડ ઘટીને ₹615,890 કરોડ થયું અને હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ ₹11,924.17 કરોડ ઘટીને ₹579,561.93 કરોડ થયું. HDFC બેન્કનું માર્કેટ કેપ ₹9,547.96 કરોડ ઘટીને ₹15,18,679.14 કરોડ થયું અને TCSનું માર્કેટકેપ ₹1,682.41 કરોડ ઘટીને ₹11,06,338.80 કરોડ થયું. ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર રહી, ત્યારબાદ HDFC બેન્ક, ભારતી એરટેલ, TCS, ICICI બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર અને LICનો સમાવેશ થાય છે.