રિલાયન્સ હોમ ફાઈનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને યસ બેન્ક સાથે સંકળાયેલા બેન્ક છેતરપિંડીના કેસોના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને આશરે રૂપિયા 1,885 કરોડની સંપત્તિઓ કામચલાઉ રીતે જપ્ત કરી છે.
મુંબઈ મેટ્રો વનના શેર પણ જપ્ત કરાયા
4 અલગ-અલગ આદેશો દ્વારા ED દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બેન્ક બેલેન્સ, બાકી લેણું, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેરનો પણ સમાવેશ થાય છે.
143 કરોડના બાકી લેણાં જપ્ત કરવામાં આવ્યા
વધુમાં વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા રૂપિયા 148 કરોડના બેન્ક બેલેન્સ અને રૂપિયા 143 કરોડના બાકી લેણાં જપ્ત કરવામાં આવ્યા છે. EDએ રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના નામે રહેણાંક મકાન અને પુનીત ગર્ગના નામે શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણો પણ જપ્ત કર્યા છે. EDના જણાવ્યા મુજબ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ સંબંધિત કેસોમાં રૂપિયા 10,117 કરોડથી વધુની સંપત્તિ પહેલાથી જ જપ્ત કરવામાં આવી છે. કુલ જપ્તી હવે આશરે રૂપિયા 12,000 કરોડ સુધી પહોંચી ગઈ છે.
RCOM પર રૂપિયા 40,000 કરોડથી વધુની લોન છેતરપિંડીનો આરોપ
તપાસ એજન્સીનો આરોપ છે કે અનિલ અંબાણી જૂથની કંપનીઓએ જાહેર ભંડોળનો દુરુપયોગ કર્યો અને ભંડોળને અન્ય જગ્યા પર વાપર્યું છે. 2017 અને 2019ની વચ્ચે યસ બેન્કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જે પાછળથી NPA બની ગયા. EDની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નિયમોને અવગણવા માટે મ્યુચ્યુઅલ ફંડના પૈસા પહેલા યસ બેન્ક દ્વારા અને પછી રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં મોકલવામાં આવ્યા હતા. RCOM પર રૂપિયા 40,000 કરોડથી વધુની લોન છેતરપિંડીનો પણ આરોપ છે, જેમાં ઘણી બેન્કોએ ખાતાઓને છેતરપિંડી જાહેર કર્યા છે. ED એ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને ગુનેગારો પાસેથી ગુનામાંથી મળેલી રકમ વસૂલવા અને પીડિતોને પરત કરવાના પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચો : Adaniની વીજળી પર બાંગ્લાદેશની નિર્ભરતા વધી, સપ્લાયમાં આવ્યો મોટો ઉછાળો