રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ દિવસે દિવસે ઓછી થવાની જગ્યા પર વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમને ફરી એકવાર 14 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ સમન્સ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે સંકળાયેલી એક મોટી બેન્ક લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં જાહેર કરવામાં આવ્યું છે.

7,500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

આ મામલો અત્યંત ગંભીર બની ગયો છે કારણ કે તપાસ એજન્સી, ED, પહેલાથી જ ગ્રુપની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે અને હવે સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પણ અલગ તપાસનો આદેશ આપ્યો છે. એક અહેવાલ મુજબ આ કથિત લોન છેતરપિંડીના કેસમાં EDએ અત્યાર સુધીમાં ₹7,500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી છે. તાજેતરમાં, 3 નવેમ્બરના રોજ EDએ નવી મુંબઈમાં ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)ની અંદર 132 એકરથી વધુ જમીન જપ્ત કરી હતી, જેની કિંમત ₹4,462.81 કરોડ છે.

અગાઉ, તપાસ એજન્સીએ આરકોમ (રિલાયન્સ કોમ્યુનિકેશન્સ), રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ સંબંધિત કેસોમાં ₹3,083 કરોડથી વધુ કિંમતની 42 મિલકતો જપ્ત કરી હતી. સમગ્ર તપાસ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર પર આધારિત છે, જેમાં આરકોમ, અનિલ અંબાણી અને અન્ય લોકો પર ગુનાહિત કાવતરું (120-B) અને છેતરપિંડી (420)ના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

તપાસમાં મોટો ખુલાસો

EDની તપાસમાં બેન્ક લોનનો વ્યાપક દુરુપયોગ થયો હોવાનો ખુલાસો થયો છે. એવો આરોપ છે કે 2010થી 2012ની વચ્ચે RCom અને તેની સંલગ્ન કંપનીઓએ ભારતીય બેન્કો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેમાંથી ₹19,694 કરોડ આજે પણ બાકી છે. 5 બેન્કોએ પહેલાથી જ આરકોમના લોન ખાતાઓને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરી દીધા છે. તપાસ એજન્સીએ શોધી કાઢ્યું કે ભંડોળને ખોટી રીતે ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યું છે અને બિલ ડિસ્કાઉન્ટિંગનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ED બાદ હવે SFIO કરશે તપાસ

ED ઉપરાંત, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) એ હવે અનિલ અંબાણીના ADAG ગ્રુપ સામે પણ તપાસનો આદેશ આપ્યો છે. મંત્રાલયે તેની મુખ્ય તપાસ શાખા, ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO)ને આ મામલાની તપાસ સોંપી છે. SFIO મુખ્યત્વે ચાર કંપનીઓ - રિલાયન્સ ઈન્ફ્રા (RInfra), રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom), રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ (RCFL) અને CLE પ્રા. લિ. ની તપાસ કરશે. બેન્કો અને ઓડિટરોએ કંપનીના નાણાકીય ખુલાસામાં ગંભીર વિસંગતતાઓની ફરિયાદ કર્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર CBI અને ED પહેલાથી જ મની ટ્રેલની તપાસ કરી રહ્યા હોવાથી, SFIO નું ધ્યાન કોર્પોરેટ ગવર્નન્સ પર, એટલે કે કંપનીની કાર્યકારી પદ્ધતિઓ પર રહેશે.