નોકરિયાત વર્ગ માટે EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ એ ફક્ત બચત યોજના નથી, પરંતુ તેમની ભવિષ્યની સુરક્ષા માટેનો એક મુખ્ય પાયો છે. કટોકટીના સમયે EPFOનું સાચું જ્ઞાન સંકટ દૂર કરી શકે છે.
EPS આપે છે પેન્શનની ખાતરી
નોકરિયાત વર્ગના ભવિષ્યની સુરક્ષા માટે દર મહિને તેમના પગારમાંથી થોડી રકમ કાપવામાં આવે છે, અને કંપની દ્વારા સમાન રકમ ભંડોળમાં જમા કરવામાં આવે છે. કર્મચારી ભવિષ્ય નિધિમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ પેન્શન યોજના એટલે કે EPS હોય છે, કેમ કે EPS નોકરિયાત વર્ગને નિવૃત્તિ પછી નિશ્ચિત માસિક પેન્શનની ખાતરી આપે છે જે સામાન્ય વર્ગના ભવિષ્યની સુરક્ષા માટે ખૂબ જરૂરી હોય છે.
પેન્શન અંગે શું કહે છે EPS નિયમ?
નોકરિયાત વર્ગને નિવૃત્તિ પછી મળતા નિશ્ચિત માસિક પેન્શન બાબતે કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠનમાં ચોક્કસ નિયમો રહેલા છે જે મુજબ માસિક પેન્શન પાત્રતા 10 વર્ષના લઘુત્તમ સેવા સમયગાળા પર આધાર રાખે છે. જો વ્યક્તિની કુલ સેવા 10 વર્ષથી ઓછી હોય તો તે પેન્શન માટે હકદાર નથી. જે તે વ્યક્તિએ નોકરી સેવાનો 10 વર્ષનો આંકડો પાર કર્યો હશે એ પછીજ તે પેન્શન મેળવવા હકદાર બનશે.
EPFOનો આ નિયમ પેન્શન અધિકાર સુરક્ષિત કરશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મુજબ જો કોઈ વ્યક્તિએ 11 વર્ષ સુધી કામ કર્યું હોય અને પછી કોઈ કારણોસર તે વ્યક્તિ નિવૃતિ લઈ લે છે તો EPFO ના નિયમો અનુસાર, તે પેન્શન માટે પાત્ર છે. 10 વર્ષથી વધુ નોકરી સેવા તમારા પેન્શનને લોક કરે છે. 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી, તમે 58 વર્ષની ઉંમરે પહોંચો ત્યારે તમારા માસિક પેન્શન માટે અરજી કરી શકો છો. આનો અર્થ એ છે કે જો તમે 40 વર્ષની ઉંમરે નોકરી છોડી દો છો, તો પણ તમને 58 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ તમારું પેન્શન મળશે.