ભારતીય ઑટો સેક્ટરમાં હાલમાં ગ્રાહકોની બલ્લે-બલ્લે છે. કારણ કે નવેમ્બરથી માર્ચની વચ્ચે ઓછામાં ઓછા 15 નવા વાહનો લોન્ચ થવા જઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે 13 નવી SUVનો સમાવેશ થાય છે. તહેવારોની સિઝનમાં રેકોર્ડબ્રેક વેચાણ અને ઐતિહાસિક માંગને કારણે ઑટો કંપનીઓ આ મજબૂત રફ્તારનો પૂરો લાભ ઉઠાવવા માંગે છે.

હાઇ માર્જિન મોડેલ્સ પર ફોકસ

એક અહેવાલ મુજબ માસ સેગમેન્ટ અને લક્ઝરી સેગમેન્ટ બંનેની કંપનીઓ હવે વધારે નફો આપતા મોડેલો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઑટો કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે હાલમાં તેઓ હાઈ-માર્જિન SUVના પ્રોડક્શનને પ્રાથમિકતા આપી રહ્યા છે અને ઉત્પાદનને મહત્તમ સ્તર પર જાળવી રાખ્યું છે. GSTમાં ઘટાડાને કારણે નાની કારોની માંગ વધી હોવા છતાં આગામી મહિનાઓમાં ફક્ત એક સેડાન (નવી Mercedes CLA) અને એક ક્રોસઓવર (Fronx Hybrid) લોન્ચ થશે.

ચર્ચિત લોન્ચ અને મુખ્ય હરીફો

આ સિઝનમાં લોન્ચ થનારા મોડેલોમાં કેટલીક ખૂબ જ ચર્ચિત ગાડીઓ સામેલ છે, જેવી કે ટાટા સિયેરા: 22 વર્ષ બાદ આ ક્લાસિક મોડેલ ભારતીય બજારમાં વાપસી કરવા માટે તૈયાર છે. જેના ટીઝરે ગ્રાહકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. મહિન્દ્રા: આ કંપની પોતાની પહેલી બોર્ન ઇલેક્ટ્રિક 7-સીટર SUV લોન્ચ કરવાની યોજના ધરાવે છે. મારુતિ સુઝુકી: ટૂંક સમયમાં ભારતીય બજારમાં e-Vitara લોન્ચ કરશે. વિદેશી કંપનીઓ પણ પાછળ નથી; રેનોલ્ટની નવી જનરેશન ડસ્ટર અને નિસાનની ટેકટોન SUV બજારમાં નવી હલચલ મચાવશે.

લક્ઝરી ઇલેક્ટ્રિક સેગમેન્ટ

લક્ઝરી સેગમેન્ટમાં BMW અને Volvo જેવી કંપનીઓ પણ તેમની નવી પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV રજૂ કરવા માટે તૈયાર છે. મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન અને મહિન્દ્રા XUV700 જેવા લોકપ્રિય મોડેલો પર હજુ પણ 20થી 40 અઠવાડિયા સુધીનું વેઇટિંગ છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે બજારમાં ગ્રાહકોની માંગ કેટલી મજબૂત છે.