ઇટાલીની પ્રખ્યાત ટુ-વીલર નિર્માતા કંપની એપ્રિલિયા (Aprilia) એ ભારતીય બજારમાં પોતાનો દબદબો વધારતા બે નવા શાનદાર સ્કૂટર્સ Aprilia SR 175 Tribute Edition અને Aprilia SR 125 Tribute Edition લોન્ચ કર્યા છે. કંપનીએ આ બંને સ્કૂટર્સને એક ખાસ નવો લુક આપ્યો છે, જે ભારતીય સેના (Indian Army)થી પ્રેરિત છે. આ સ્પેશિયલ એડિશન સ્કૂટર્સની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ.1.11 લાખ રાખવામાં આવી છે અને તે દેશભરના એપ્રિલિયા ડીલરશીપ પર વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયા છે.


ભારતીય સેનાથી પ્રેરિત મિલિટરી ડિઝાઇન

આ નવા ટ્રિબ્યુટ એડિશન (Tribute Edition) સ્કૂટર્સની સૌથી મોટી અને આકર્ષક ખાસિયત તેની મિલિટરી-ઇન્સપાયર્ડ ડિઝાઇન છે. કંપનીએ આ સ્કૂટર્સને એક ખાસ મેટ ગ્રીન કલરમાં રજૂ કર્યા છે, જેની સાથે કેમોફ્લાજ ગ્રાફિક્સ (Camouflage Graphics) આપવામાં આવ્યા છે. આ ડિઝાઇન ભારતીય સેનાના સાહસ, સમર્પણ અને દેશ સેવા પ્રત્યેના સન્માનના પ્રતીક રૂપે તૈયાર કરવામાં આવી છે. આ નવા કલર અને ગ્રાફિક્સ સિવાય સ્કૂટરની બાકીની ડિઝાઇન પહેલાની જેમ જ સ્પોર્ટી અને શાર્પ રાખવામાં આવી છે.

આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતા

દેખાવની વાત કરીએ તો આ સ્કૂટર્સમાં LED હેડલાઇટ અને ટેલલાઇટ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેના 14-ઇંચના એલોય વ્હીલ્સ પર ઓરેન્જ કલરની રિમ સ્ટ્રાઇપ્સ આપવામાં આવી છે, જે તેના સ્પોર્ટી લુકને વધુ આકર્ષક બનાવે છે. Aprilia SR 175 Tribute Edition: આ વેરિઅન્ટમાં 175ccનું hp-e એન્જિન મળે છે, જે CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. આ એન્જિન 13 bhpની પાવર અને 14.14 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 95 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડી શકે છે. Aprilia SR 125 Tribute Edition: આ વેરિઅન્ટમાં 125ccનું hp-e એન્જિન આપવામાં આવ્યું છે, જે 10 bhpની પાવર અને 10.4 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક સુધીની છે.

આધુનિક ફીચર્સ અને સેફ્ટી કંટ્રોલ

આ બંને સ્કૂટર્સ આધુનિક ફીચર્સથી સજ્જ છે. જેમાં 5-ઇંચનું TFT ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. જે બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન સપોર્ટ જેવી સુવિધાઓ સાથે આવે છે. રાઇડિંગને આરામદાયક બનાવવા માટે આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં એડજસ્ટેબલ શોક એબ્સોર્બર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ અને સેફ્ટી માટે ફ્રન્ટમાં 220 mm વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક અને સિંગલ-ચેનલ ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) ઉપલબ્ધ છે.

કિંમત, વોરંટી અને ગ્રાહકો માટે ઓફર્સ

કિંમતની વાત કરીએ તો Aprilia SR 125 Tribute Edition ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ.1.11 લાખ છે, જ્યારે મોટા એન્જિન ધરાવતા Aprilia SR 175 Tribute Edition ની કિંમત રૂ.1.21 લાખ રાખવામાં આવી છે. આ સાથે જ કંપની ગ્રાહકોને આકર્ષવા માટે 5 વર્ષ અથવા 60,000 કિલોમીટર સુધીની શાનદાર વોરંટી આપી રહી છે. આટલું જ નહીં, ગ્રાહકોને કોઈ પણ વધારાના ચાર્જ વગર એક વર્ષની મફત સર્વિસ અને બે વર્ષની રોડસાઇડ આસિસ્ટન્સ (RSA) ની સુવિધા પણ મળશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: