હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા નાણાકીય વર્ષ 2030 સુધીમાં બજારમાં ઘણા નવા મોડલ લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે. આ શ્રેણીમાં એક નવી સબ-4 મીટર ઇલેક્ટ્રિક SUV (HE1i) પણ સામેલ છે, જેને ખાસ કરીને ટાટા પંચ EVને ટક્કર આપવા માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ નવી કારના ટેસ્ટ મોડલને તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં ભારે કેમોફ્લાજ (કવર) સાથે ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું છે. જોકે કંપનીએ હજુ સુધી સત્તાવાર લોન્ચિંગ તારીખ જાહેર કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ ગાડી 2026ના દિવાળી સીઝન અથવા 2027ની શરૂઆતમાં બજારમાં આવી શકે છે.


ઇન્સ્ટર EV પર આધારિત આકર્ષક ડિઝાઇન

રિપોર્ટ્સ અનુસાર, હ્યુન્ડાઈની આ નવી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ 'હ્યુન્ડાઈ ઇન્સ્ટર' પર આધારિત હોઈ શકે છે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી કારનો બોક્સી અને સીધો લુક ઇન્સ્ટર જેવો જ દેખાય છે. આ નવી HE1i EV માં બંધ ગ્રીલ, આગળની તરફ ચાર્જિંગ પોર્ટ, સ્પોર્ટી સિલ્વર સ્કિડ પ્લેટ, ગોળાકાર પ્રોજેક્ટર હેડલાઇટ્સ, સ્પ્લિટ હેડલેમ્પ અને ઉપરની તરફ LED DRLs જોવા મળી શકે છે. તેમજ આ કારમાં બ્લેક બોડી ક્લેડિંગ, રૂફ રેલ્સ, પિક્સેલ-સ્ટાઇલ એલઇડી ટેલલાઇટ્સ, ચોરસ ટેલગેટ અને 17-ઇંચ સુધીના એલોય વ્હીલ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ મળવાની આશા છે.

આધુનિક અને પ્રીમિયમ ઇન્ટિરિયર

નવી હ્યુન્ડાઈ કોમ્પેક્ટ ઇવીનું કેબિન ફીચર્સથી ભરપૂર હશે. આ કારમાં ડ્યુઅલ 10.25-ઇંચની ડિસ્પ્લે મળશે, જે ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર બંનેનું કામ કરશે. આ સિવાય કારમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર અને OTA (ઓવર-ધ-એર) અપડેટ્સ જેવી સુવિધાઓ આપવામાં આવશે. સુરક્ષા અને કનેક્ટિવિટી માટે આમાં હ્યુન્ડાઈ બ્લુલીંક સેવાઓ અને ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવા આધુનિક સેફ્ટી ફીચર્સ પણ જોવા મળી શકે છે.

પાવરફુલ બેટરી અને દમદાર રેન્જ

આ નવી ઇલેક્ટ્રિક એસયુવી E-GMP (K) પ્લેટફોર્મ પર આધારિત હશે અને તે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ ઇન્સ્ટર ઇવી સાથે પોતાનું એન્જિન (મોટર) શેર કરી શકે છે. વૈશ્વિક માર્કેટમાં ઇન્સ્ટર ઇવી 42 kWh અને 49 kWh ના બે બેટરી પેક ઓપ્શનમાં આવે છે, જે ક્રમશઃ 300 કિમી અને 355 કિમી સુધીની શાનદાર રેન્જ આપે છે. ચાર્જિંગને સરળ બનાવવા માટે આ ઇવી 120 kW સુધીના DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેનાથી કારની બેટરી માત્ર 30 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: