જાપાની ઓટોમોબાઈલ દિગ્ગજ હોન્ડાએ દક્ષિણ કોરિયાના પેસેન્જર વ્હીકલ માર્કેટમાંથી બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત કરી છે. છેલ્લા 23 વર્ષથી આ દેશમાં કાર્યરત હોન્ડા વર્ષ 2026ના અંત સુધીમાં તેની કારનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેશે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર ફોર-વ્હીલર સેગમેન્ટ પૂરતો મર્યાદિત છે અને તેના લોકપ્રિય મોટરસાઇકલ બિઝનેસ પર તેની કોઈ અસર થશે નહીં. દક્ષિણ કોરિયામાં ટુ-વ્હીલરનું વેચાણ અને કામકાજ પહેલાની જેમ જ કાર્યરત રહેશે.

બિઝનેસ સંકેલવા પાછળના મુખ્ય કારણો

હોન્ડાએ આ આકરો નિર્ણય લેવા પાછળ બજારની બદલાતી ગતિશીલતા અને આર્થિક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ કોરિયામાં સ્થાનિક બ્રાન્ડ્સ અને આક્રમક ચીની કંપનીઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાને કારણે હોન્ડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, સતત વધી રહેલા 'એક્સચેન્જ રેટ પ્રેશર' અને ઘટતા પ્રોફિટ માર્જિનને કારણે કંપની માટે આ માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું, જેના પરિણામે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાંથી એક્ઝિટ લેવાની ફરજ પડી છે.

વર્તમાન ગ્રાહકો માટે આફ્ટર-સેલ્સ સપોર્ટની ખાતરી

ભલે હોન્ડા નવી કારનું વેચાણ બંધ કરી રહી હોય, પરંતુ તે પોતાના વર્તમાન ગ્રાહકોને અધવચ્ચે છોડશે નહીં. કંપનીએ ખાતરી આપી છે કે તે દેશમાં તેનું સર્વિસ નેટવર્ક ચાલુ રાખશે જેથી ગ્રાહકોને આફ્ટર-સેલ્સ સપોર્ટ મળતો રહે. આ અંતર્ગત કારની સર્વિસિંગ, ઓરિજિનલ સ્પેર પાર્ટ્સનો સપ્લાય અને વોરંટી ક્લેમ જેવી સુવિધાઓ ચાલુ રાખવામાં આવશે, જેથી જૂના ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ભારતીય બજાર પર તેની અસર અને ભવિષ્યની યોજના

દક્ષિણ કોરિયાના આ નિર્ણયની ભારત પર કોઈ નકારાત્મક અસર થશે નહીં, કારણ કે હોન્ડા માટે ભારત એક વ્યૂહાત્મક અને અત્યંત મહત્વનું બજાર છે. કંપની હાલમાં ભારતમાં તેની આગામી ઇલેક્ટ્રિક SUV 'હોન્ડા 0 આલ્ફા'નું ટેસ્ટિંગ કરી રહી છે, જેનું ઉત્પાદન રાજસ્થાનના તાપુકાડા પ્લાન્ટમાં થવાની શક્યતા છે. ભારતને હોન્ડા તેના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહી છે અને આગામી વર્ષોમાં નવી SUV અને હાઇબ્રિડ મોડલ્સ લોન્ચ કરવાની તેની યોજનાઓ યથાવત છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે કંપની દક્ષિણ કોરિયામાંથી પીછેહઠ કરી રહી છે પરંતુ ભારતમાં પોતાનું સામ્રાજ્ય વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો