ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ અત્યારે મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બજારમાં દર મહિને નવા મોડલ્સ પ્રવેશી રહ્યા છે ત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે જે કાર પ્રેમીઓને ચોંકાવી શકે છે. છેલ્લા 10 વર્ષથી ભારતીય રસ્તાઓ પર રાજ કરનાર ટોયોટાની લોકપ્રિય MPV ઇનોવા ક્રિસ્ટા (Innova Crysta) આવતા વર્ષ સુધીમાં બંધ થઈ શકે છે. વર્ષ 2016માં પ્રથમવાર લોન્ચ થયેલી આ કાર અસલ ઇનોવાનું પ્રીમિયમ અને શક્તિશાળી વર્ઝન હતી, જેણે લાંબા સમય સુધી ટોયોટાના વેચાણમાં સિંહફાળો આપ્યો છે.

નવા ઉત્સર્જન નિયમો (CAFE 3) બન્યા અવરોધ

ઇનોવા ક્રિસ્ટાને બંધ કરવા પાછળનું મુખ્ય કારણ ભારત સરકાર દ્વારા આગામી સમયમાં લાગુ થનારા કડક પર્યાવરણીય નિયમો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 એપ્રિલ 2027 થી ભારતમાં CAFE 3 (Corporate Average Fuel Efficiency) નોર્મ્સ અમલી બનવાના છે. આ નિયમોનો ઉદ્દેશ્ય વાહનો દ્વારા થતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો અને સરેરાશ માઇલેજમાં વધારો કરવાનો છે. ક્રિસ્ટા મુખ્યત્વે ડીઝલ એન્જિન સાથે આવે છે, તેથી આ કડક ધોરણો હેઠળ તેનું ઉત્પાદન ચાલુ રાખવું કંપની માટે આર્થિક અને ટેકનિકલ રીતે પડકારજનક બની શકે છે.

ફ્લીટ ઓપરેટર્સ માટે હાઈક્રોસનું નવું વેરિઅન્ટ

ઇનોવા ક્રિસ્ટાની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ તેની ટકાઉપણું અને ઓછો મેન્ટેનન્સ ખર્ચ છે, જેને કારણે ટેક્સી અને ફ્લીટ ઓપરેટર્સમાં તે પ્રથમ પસંદગી રહી છે. ક્રિસ્ટાના સંભવિત વિદાયને જોતા, ટોયોટા હવે ઇનોવા હાઈક્રોસ (Innova Hycross) નું એક કિફાયતી અને 'બેઝ' વેરિઅન્ટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ નવું વેરિઅન્ટ ખાસ કરીને કોમર્શિયલ ઉપયોગ માટે તૈયાર કરવામાં આવશે, જેમાં બિનજરૂરી લક્ઝરી ફીચર્સ ઘટાડીને તેને કિંમતમાં સ્પર્ધાત્મક બનાવવામાં આવશે.

માઇલેજ અને કિંમતનું ગણિત

હાલમાં ઇનોવા ક્રિસ્ટા ડીઝલની શરૂઆતી કિંમત અંદાજે રૂ.18.85 લાખ છે, જ્યારે હાઈક્રોસ હાઇબ્રિડની કિંમત રૂ.26.30 લાખથી શરૂ થાય છે. ફ્લીટ ઓપરેટર્સ માટે આ રૂ.7.50 લાખનો તફાવત ઘણો મોટો છે. વધુમાં, સામાન્ય પેટ્રોલ હાઈક્રોસની માઇલેજ (10 કિમી/લિટર) કરતા ક્રિસ્ટા ડીઝલની માઇલેજ અને રનિંગ કોસ્ટ વધુ ફાયદાકારક રહેતી હતી. જોકે, હાઈક્રોસ હાઇબ્રિડ મોડલ 14-15 કિમી/લિટરની રિયલ વર્લ્ડ માઇલેજ આપે છે. આથી, જો ટોયોટા હાઇબ્રિડ ટેકનોલોજી સાથે સસ્તું મોડલ લાવવામાં સફળ રહે, તો તે ક્રિસ્ટાનું યોગ્ય રિપ્લેસમેન્ટ સાબિત થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો