પશ્ચિમ એશિયા સંકટ અને વધતા જતા ઈંધણના ભાવોની સીધી અસર હવે ભારતીય ઓટો માર્કેટ પર દેખાઈ રહી છે. ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા બે મહિનામાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના બુકિંગમાં 2 થી 2.5 ગણો મોટો ઉછાળો આવ્યો છે. લોકો હવે મોંઘા પેટ્રોલ-ડીઝલના દૈનિક ખર્ચથી બચવા માટે ઇલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા તરફ ઝડપથી વળી રહ્યા છે. ગ્રાહકોની વિચારસરણી બદલાતાં હવે તેઓ ઘરમાં ઓછામાં ઓછી એક ઇલેક્ટ્રિક કાર રાખવાનો આગ્રહ રાખી રહ્યા છે.
ટાટા મોટર્સ ઉત્પાદનમાં 50% સુધીનો વધારો કરશે
બજારમાં વધેલી આ અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા માટે ટાટા મોટર્સ આગામી 3થી 4 મહિનામાં પોતાનું EV પ્રોડક્શન 50% સુધી વધારશે. હાલમાં કંપની દર મહિને અંદાજે 10,000 ઇલેક્ટ્રિક વાહનો બનાવે છે, જેને વધારીને હવે 15,000 યુનિટ કરવામાં આવશે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 1 લાખ EV વેચવાનો નવો રેકોર્ડ બનાવી શકે છે. જો કે, પાર્ટ્સની ઉપલબ્ધતા અને સપ્લાય ચેઈન સક્ષમ કરવી કંપની માટે અત્યારે મોટો પડકાર છે.
