ભારતમાં સબ-4 મીટર (4 મીટરથી નાની) SUVની માંગ સતત વધી રહી છે. જૂન 2026માં આ સેગમેન્ટમાં કુલ 1,11,161 SUVsનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ આશરે 35% વધુ છે. જૂન 2026માં આ સેગમેન્ટ પર Tata Motorsનો દબદબો જોવા મળ્યો હતો. કંપનીની Tata Punch અને Tata Nexon સૌથી વધુ વેચાતી બે SUV રહી. આ સિવાય Hyundai Venue, Maruti Fronx, Mahindra XUV 3XO અને Kia Sonet જેવી લોકપ્રિય કાર્સ પણ ટોપ-10માં સામેલ રહી છે.

Punch બની નંબર-1 SUV

જૂન 2026માં Tata Punchની રેકોર્ડબ્રેક 21,006 યુનિટ્સનું વેચાણ થયું છે. ગયા વર્ષના જૂનની સરખામણીએ તેના વેચાણમાં 101% એટલે કે બમણાથી પણ વધુનો વધારો નોંધાયો છે. આ જ કારણ છે કે Punch આ સેગમેન્ટની એકમાત્ર એવી SUV બની છે જેનું વેચાણ 20,000 યુનિટને પાર ગયું છે. મે મહિનાની સરખામણીમાં પણ તેના વેચાણમાં નજીવો વધારો થયો છે અને તેણે માર્કેટમાં આશરે 19% હિસ્સો કબજે કર્યો છે.

Nexon અને Fronxનું પ્રદર્શન

ટાટા મોટર્સની જ Tata Nexon બીજા સ્થાને રહી છે. જૂન મહિનામાં તેના 18,335 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષ કરતાં 58% વધુ છે. જોકે, મે મહિનાની સરખામણીએ તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ત્રીજા નંબરે Maruti Fronx રહી છે, જેના 13,135 યુનિટ્સ વેચાયા છે. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 34%નો વધારો થયો છે, પરંતુ મે મહિનાની સરખામણીએ જૂનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Venue અને XUV 3XO વચ્ચે જોરદાર ટક્કર

Hyundai Venue એ ચોથું સ્થાન મેળવ્યું છે. જૂન મહિનામાં તેના 10,776 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષ કરતાં 57% વધુ છે. બીજી તરફ Mahindra XUV 3XO એ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનું વેચાણ મે મહિનામાં 6,717 યુનિટ હતું, જે જૂનમાં વધીને 10,063 યુનિટ પર પહોંચી ગયું છે. એટલે કે માત્ર એક જ મહિનામાં વેચાણમાં આશરે 50% નો ઉછાળો આવ્યો છે. વાર્ષિક ધોરણે પણ તેના વેચાણમાં 42% નો વધારો થયો છે.

Brezzaનું વેચાણ ઘટ્યું

એક સમયે આ સેગમેન્ટની સૌથી લોકપ્રિય ગણાતી Maruti Brezzaના વેચાણમાં આ વખતે મોટો ઘટાડો જોવા મળ્યો છે. જૂન મહિનામાં તેના માત્ર 9,939 યુનિટ્સ જ વેચાયા છે, જે ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ 31% ઓછા છે. ઓટો નિષ્ણાતોનું માનવું છે કે કંપની ટૂંક સમયમાં જ Brezza Facelift લોન્ચ કરવા જઈ રહી છે, જેના કારણે હાલના મોડલનું વેચાણ ઘટ્યું છે.

અન્ય SUVsની સ્થિતિ

બાકીની કાર્સની વાત કરીએ તો, Kia Sonetના 9,231 યુનિટ્સ, Hyundai Exterના 8,154 યુનિટ્સ અને Skoda Kylaqના 4,039 યુનિટ્સ વેચાયા છે. જ્યારે Toyota Taisor, Nissan Magnite, Renault Kiger, Kia Syros અને Maruti Jimny જેવી ગાડીઓનું વેચાણ આ મહિને ઘણું ઓછું રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો