અત્યાર સુધી Bharat NCAPમાં કારોની સુરક્ષા મુખ્યત્વે પુખ્ત વયના અને બાળકોના ઓક્યુપન્સી પ્રોટેક્શનના આધારે નક્કી થતી હતી. પરંતુ હવે સરકારે ટેસ્ટિંગના દાયરા અને સ્ટાન્ડર્ડને ઘણું વધારી દીધું છે. હવે કોઈ પણ કારને સ્ટાર રેટિંગ આપવા માટે પાંચ અલગ-અલગ સુરક્ષા કેટેગરીમાં સ્કોર જોડવામાં આવશે જેનાથી દરેક કારની સુરક્ષા વધુ સચોટ રીતે આંકી શકાશે.
નવા ક્રેશ ટેસ્ટ વધુ કડક બનશે
BNCAP 2.0માં સૌથી વધુ વેઇટેજ હજુ પણ ક્રેશ ટેસ્ટ પર જ રહેશે, જેનો હિસ્સો 55% રાખવામાં આવ્યો છે. જોકે હવે માત્ર મજબૂત બોડી સ્ટ્રક્ચર અને એરબેગ્સની મદદથી 5-સ્ટાર મેળવવું સરળ નહીં હોય. નવા સિસ્ટમમાં પાંચ ફરજિયાત અને વધુ મુશ્કેલ ક્રેશ ટેસ્ટ સામેલ થશે. જેમાં કારના સ્ટ્રક્ચર, ટક્કર પછીના પ્રભાવ અને મુસાફરોની સુરક્ષાનું યોગ્ય મૂલ્યાંકન થશે. આનાથી કંપનીઓએ મજબૂરીમાં જ ટેક્નિકલી સુધારો કરીને કારને વધુ સુરક્ષિત બનાવવી પડશે.
ADAS ફીચર્સને વિશેષ સ્કોર મળશે
હવે કારની સુરક્ષા માત્ર તેની બોડી પર જ નહીં પરંતુ ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમ એટલે કે ADAS પર પણ આધારિત હશે. નવા નિયમોમાં 10% સ્કોર ADAS ફીચર્સ જેવા કે ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ, લેન કીપિંગ, ફ્રન્ટ કોલિઝન વોર્નિંગ વગેરે માટે આપવામાં આવશે. આ બદલાવ એટલા માટે કરવામાં આવ્યો છે જેથી ગાડીઓમાં આધુનિક સુરક્ષા ટેક્નોલોજીનો ઉપયોગ વધે અને માર્ગ અકસ્માતોને પહેલા જ રોકી શકાય.
રાહદારીઓ અને દ્વિચક્રીય વાહનચાલકોની સુરક્ષા પર વધુ ધ્યાન
નવા BNCAP 2.0માં રાહદારીઓ અને બાઇક સવારોની સુરક્ષાને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નિયમો હેઠળ વાહનના ફ્રન્ટ હિસ્સાની ટેસ્ટિંગ કરવામાં આવશે, જેથી રાહદારીના માથા કે પગ પર ઓછી ઈજા થાય. આ ઉપરાંત AEB સિસ્ટમમાં રાહદારીઓ અને દ્વિચક્રીય વાહનોની ઓળખને પણ સ્કોરનો હિસ્સો બનાવાયો છે. આ શ્રેણીને કુલ 20% વેઇટેજ આપવામાં આવ્યું છે. જે વાહન કંપનીઓને ડિઝાઇનમાં સુધારો કરવા તરફ મજબૂર કરશે.