JSW MG મોટર ઈન્ડિયાએ ભારતીય બજારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે 'Value Promise' નામનો એક્સટેન્ડેડ બાયબેક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. અગાઉ કંપની માત્ર 3 વર્ષ માટે બાયબેક ગેરંટી આપતી હતી, પરંતુ હવે ગ્રાહકો 5 વર્ષ સુધી આ સુરક્ષા કવચ મેળવી શકશે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ઈલેક્ટ્રિક કારની રિસેલ વેલ્યુને લઈને ગ્રાહકોના મનમાં રહેલો ડર દૂર કરવાનો છે.


શું છે આ બાયબેક પ્રોગ્રામ?

આ સ્કીમ હેઠળ, જો કોઈ ગ્રાહક MGની ઈલેક્ટ્રિક કાર ખરીદે છે, તો તેને 5 વર્ષ પછી ગાડીની મૂળ કિંમતના 40% થી 60% સુધીની રકમ પરત મળવાની ખાતરી આપવામાં આવે છે. આ વેલ્યુ ગ્રાહક કયા પ્રકારનો પ્લાન પસંદ કરે છે તેના પર નિર્ભર રહેશે. ગ્રાહકો પાસે ત્રણ વિકલ્પો હશે: ગાડી પોતાની પાસે રાખવી, કંપનીને પરત કરીને નક્કી કરેલી રકમ મેળવવી અને જૂની ગાડી આપીને નવી MG કારમાં અપગ્રેડ થવું.

કંપનીની શરતો અને વ્યાપ

MG મોટરે આ સુવિધા માત્ર ખાનગી ગ્રાહકો પૂરતી મર્યાદિત નથી રાખી, પરંતુ હવે કોમર્શિયલ ZS EV માલિકો અને ફ્લીટ ઓપરેટર્સ પણ આનો લાભ લઈ શકશે. જોકે, આ માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે; ગાડી 3 વર્ષ સુધી જૂની હોવી જોઈએ. વાર્ષિક રનિંગ મહત્તમ 60,000 કિલોમીટર સુધી હોવું જોઈએ.

નવા પગલાથી ભારતમાં EVના વેચાણમાં વધારો

આ પ્રોગ્રામ Zuno General Insurance સાથે મળીને ચલાવવામાં આવી રહ્યો છે. આ અગાઉ MG મોટર ભારતમાં 'બેટરી એઝ અ સર્વિસ' (BaaS) મોડલ લાવીને પણ ચર્ચામાં રહી હતી. કંપનીના આ નવા પગલાથી ભારતમાં EVના વેચાણમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે હવે ગ્રાહકોને 5 વર્ષ સુધી ડિપ્રિસિયેશન (કિંમતમાં ઘટાડો) નું જોખમ રહેશે નહીં.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: