વર્ષ 2026ની શરૂઆત નવી કાર ખરીદવા ઈચ્છતા લોકો માટે મોંઘી સાબિત થઈ રહી છે. 1 જાન્યુઆરીથી MG, હ્યુન્ડાઈ, નિસાન, રેનો અને મર્સિડીઝ-બેન્ઝ જેવી અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓએ તેમની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીઓના જણાવ્યા અનુસાર, કાચા માલની વધતી કિંમતો, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં થયેલો વધારો તેમજ બદલાતી આર્થિક સ્થિતિને કારણે આ કિંમતો વધારવી અનિવાર્ય બની હતી. આ ફેરફારને કારણે હવે સામાન્ય ફેમિલી કારથી લઈને લક્ઝરી અને SUV મોડલ્સ ખરીદવા માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે.
આ કંપનીએ તેના મોડલ્સની કિંમતમાં કર્યો 2%નો વધારો
JSW MG મોટર ઇન્ડિયાએ તેના તમામ મોડલ્સની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન ખર્ચ વધવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. તેવી જ રીતે, હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પણ તેની તમામ કાર રેન્જમાં સરેરાશ 0.6 ટકાનો વધારો ઝીંક્યો છે. હ્યુન્ડાઈએ સ્પષ્ટતા કરી છે કે લાંબા સમયથી ઇનપુટ કોસ્ટના દબાણને કારણે કિંમતોમાં આ મામૂલી ફેરફાર કરવો જરૂરી હતો, જેથી કંપની તેની ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવી શકે.
આ કંપનીએ જાહેર કર્યો 3%નો ભાવ વધારો
બીજી તરફ, નિસાન મોટર ઇન્ડિયાએ સૌથી વધુ 3 ટકા સુધીનો ભાવ વધારો જાહેર કર્યો છે, જ્યારે રેનો ઇન્ડિયાએ તેના તમામ મોડલ્સ પર 2 ટકા સુધીની કિંમત વધારી છે. લક્ઝરી સેગમેન્ટમાં પણ મર્સિડીઝ-બેન્ઝે તેના ભાવમાં 2 ટકાનો વધારો અમલી બનાવ્યો છે. મર્સિડીઝના મતે, વિદેશી ચલણમાં થતી વધઘટ અને વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચને કારણે આ વધારો કરવામાં આવ્યો છે. જોકે આ કંપનીઓ સિવાયની અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં ભાવ વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો