વિશ્વભરમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઝડપથી આગળ વધી રહ્યો છે. કારને વધુ 'ફ્યુચરિસ્ટિક' લુક આપવા માટે કંપનીઓ નવા ફીચર્સ ઉમેરી રહી છે, પરંતુ હવે તેમાંથી કેટલાંક ફીચર્સ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ જ કારણસર ચીને હવે કારના અત્યંત લોકપ્રિય એવા 'ઈલેક્ટ્રિક ફ્લશ ડોર હેન્ડલ' પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

શું છે ફ્લશ ડોર હેન્ડલ અને શા માટે તે લોકપ્રિય છે?

આધુનિક ઇલેક્ટ્રિક અને લક્ઝરી કારમાં ડોર હેન્ડલ કારની બોડીમાં અંદર ફિટ હોય છે. જ્યારે ચાવી નજીક આવે ત્યારે તે આપમેળે બહાર નીકળે છે. કાર કંપનીઓ આ ડિઝાઇનનો ઉપયોગ મુખ્યત્વે બે કારણોસર કરે છે: એરોડાયનેમિક્સ: તેનાથી હવાનો અવરોધ (Drag) ઓછો થાય છે, જે માઈલેજ અને સ્પીડમાં મદદરૂપ બને છે. સ્ટાઈલિશ લુક: તે કારને ક્લીન અને પ્રીમિયમ દેખાવ આપે છે.

પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ: જીવનું જોખમ

ચીનના 'ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય' મુજબ, ગંભીર અકસ્માત સમયે જ્યારે કારની વીજ પુરવઠો (Power Supply) કપાઈ જાય છે, ત્યારે આ ઈલેક્ટ્રિક હેન્ડલ કામ કરતા બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં: કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા મુશ્કેલ બને છે, રેસ્ક્યુ ટીમ બહારથી દરવાજો ખોલી શકતી નથી, જેના કારણે જાનહાનિના અનેક કિસ્સાઓ બન્યા છે અને અતિશય ઠંડી કે બરફ જામવાની સ્થિતિમાં પણ આ ઈલેક્ટ્રિક સિસ્ટમ ફેઈલ થઈ જાય છે.

નવો નિયમ અને વૈશ્વિક અસર

ચીનના નવા નિયમ મુજબ, વર્ષ 2027 થી 3.5 ટનથી ઓછું વજન ધરાવતી તમામ પેસેન્જર કારમાં 'મિકેનિકલ' (મેન્યુઅલી ઓપરેટેડ) ડોર હેન્ડલ હોવું ફરજિયાત બનશે. પ્રતિબંધ માત્ર ઈલેક્ટ્રિક ફંક્શન પર છે, ડિઝાઇન પર નહીં. એટલે કે, કંપનીઓ ફ્લશ ડિઝાઇન રાખી શકશે પણ તેને ખોલવા માટે મિકેનિકલ બેકઅપ હોવો અનિવાર્ય છે. ચીન વિશ્વનો સૌથી મોટો કાર નિકાસકાર હોવાથી, આ નિર્ણયની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના કાર ઉદ્યોગ પર પડશે. હવે કાર નિર્માતા કંપનીઓએ સ્ટાઇલ કરતા સુરક્ષાને વધુ મહત્વ આપવું પડશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો