ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે હોન્ડા (Honda) હવે આક્રમક રણનીતિ અપનાવી રહી છે. કંપની ભારતમાં ત્રણ નવી હાઇબ્રિડ SUV લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં Honda Elevate Hybrid, Honda ZR-V અને એક નવી 7-સીટર SUV સામેલ છે. આ ગાડીઓ શાનદાર માઇલેજ, એડવાન્સ ફીચર્સ અને દમદાર પરફોર્મન્સ સાથે આવશે, જે SUV સેગમેન્ટમાં અન્ય કંપનીઓને કડી ટક્કર આપશે.

ભારતીય બજારમાં હોન્ડાની ગતિવિધિઓ

લાંબા સમયથી ભારતીય બજારમાં હોન્ડાની ગતિવિધિઓ ઓછી રહી છે. હાલમાં કંપની પાસે માત્ર હોન્ડા સિટી, એમેઝ અને એલિવેટ જેવા મર્યાદિત મોડલ જ ઉપલબ્ધ છે. પરંતુ હવે વધતી સ્પર્ધા અને SUVની લોકપ્રિયતાને જોતા કંપની તેના પોર્ટફોલિયોને વિસ્તારવાની યોજના બનાવી રહી છે.

હોન્ડા એલિવેટ હાઇબ્રિડ (Honda Elevate Hybrid)

આ યાદીમાં પ્રથમ નામ એલિવેટ હાઇબ્રિડનું છે. અગાઉ હોન્ડાએ એલિવેટનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવવાનું વિચાર્યું હતું, પરંતુ હવે કંપનીએ પોતાનું ધ્યાન હાઇબ્રિડ મોડલ પર કેન્દ્રિત કર્યું છે. આ નવી એલિવેટ હાઇબ્રિડ ટૂંક સમયમાં લોન્ચ થનારા ફેસલિફ્ટ મોડલ પર આધારિત હોઈ શકે છે. હોન્ડા એક નવી હાઇબ્રિડ સિસ્ટમ પર કામ કરી રહી છે જે વર્તમાન સિસ્ટમ કરતા હળવી, વધુ કાર્યક્ષમ અને સસ્તી હશે. જોકે, એ જોવાનું રહેશે કે તેમાં હોન્ડા સિટી હાઇબ્રિડવાળું 1.5 લીટર એન્જિન જ રહેશે કે કોઈ નવું સેટઅપ જોવા મળશે.

હોન્ડા ZR-V (Honda ZR-V)

હોન્ડા તેની પ્રીમિયમ SUV ZR-V ને 2026ના અંત સુધીમાં ભારતમાં લોન્ચ કરી શકે છે. આ કાર સંપૂર્ણપણે વિદેશમાં બનેલી (CBU) યુનિટ તરીકે ભારત લાવવામાં આવશે. તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં 9-ઇંચની ટચસ્ક્રીન, ગૂગલ આસિસ્ટન્ટ, ADAS (હોન્ડા સેન્સિંગ), 12-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ અને 360-ડિગ્રી કેમેરા જેવા હાઇ-ટેક ફીચર્સ મળશે. આ SUVમાં 2.0 લીટરનું પેટ્રોલ એન્જિન હાઇબ્રિડ ટેકનોલોજી સાથે જોવા મળી શકે છે.

નવી 7-સીટર SUV

હોન્ડા એક નવા PF2 પ્લેટફોર્મ પર કામ કરી રહી છે, જે ખાસ કરીને હાઇબ્રિડ વાહનો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર બનનારું પ્રથમ વાહન 7-સીટર SUV હશે. આ કારનું ઉત્પાદન મોટા પાયે ભારતમાં જ કરવામાં આવશે, જેથી તેની કિંમત વ્યાજબી રાખી શકાય. આ નવી 7-સીટર SUV ભારતીય બજારમાં હ્યુન્ડાઈ અલ્કાઝાર, મહિન્દ્રા XUV700 અને આગામી રેનો બોરેલ જેવી ગાડીઓને સીધી ટક્કર આપશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો