હ્યુન્ડાઈ (Hyundai) એ તાજેતરમાં જ ભારત માટે તેની નવી અને ઝડપી વ્યૂહરચનાની જાહેરાત કરી છે. કંપનીનો પ્લાન વર્ષ 2030 સુધીમાં 26 નવા મોડલ લોન્ચ કરવાનો છે. જેમાં પેટ્રોલ/ડીઝલ (ICE), હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક એમ ત્રણેય પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે. 2027 સુધીમાં હ્યુન્ડાઈ મિડ-સાઈઝ અને મોટી 3-રો (3-Row) SUV સેગમેન્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે. આ સાથે કંપની દેશમાં પહેલીવાર હાઇબ્રિડ કાર સેગમેન્ટમાં પણ પગ મૂકશે. આવનારા સમયમાં હ્યુન્ડાઈ 3 નવી SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે ભારતીય બજારમાં મોટો બદલાવ લાવી શકે છે.
નવી હ્યુન્ડાઈ મિડસાઈઝ SUV
આવનારી હ્યુન્ડાઈ મિડસાઈઝ SUVનો આધાર 'બેયોન' (Bayon) હોવાની અપેક્ષા છે, જે યુરોપિયન બજારોમાં પહેલેથી જ વેચાઈ રહી છે. હ્યુન્ડાઈની લાઇનઅપમાં, આ મોડલ (કોડનેમ: Bc4i) વેન્યુ (Venue) ની ઉપર અને ક્રેટા (Creta) ની નીચેની કેટેગરીમાં આવશે, જે સીધી રીતે મારુતિ વિક્ટોરિસને ટક્કર આપશે. આશરે 4.18 મીટર લાંબી આ હ્યુન્ડાઈ બેયોનને નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને સીએનજી (CNG) એન્જિન ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી શકે છે.
નવી હ્યુન્ડાઈ ક્રેટા હાઇબ્રિડ
હ્યુન્ડાઈ ક્રેટાની ત્રીજી જનરેશન વર્ષ 2027ની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. આ બિલકુલ નવા મોડલમાં અંદર અને બહાર બંને તરફ મોટા અપગ્રેડની સાથે એક નવું પાવરફુલ હાઇબ્રિડ એન્જિન પણ મળશે. આ નવી જનરેશનની ક્રેટા તેના વર્તમાન મોડલ કરતાં કદમાં મોટી હશે. નવા K3 પ્લેટફોર્મ પર આધારિત આ SUVમાં હ્યુન્ડાઈની ગ્લોબલ SUVsથી પ્રેરિત શાર્પ ડિઝાઇન જોવા મળશે. ઇન્ટિરિયરની વાત કરીએ તો, 2027 હ્યુન્ડાઈ ક્રેટામાં બ્રાન્ડની એડવાન્સ 'પ્લીઓસ કનેક્ટ સિસ્ટમ' (Pleos Connect System) અને અનેક નવા ફીચર્સ મળશે.
નવી હ્યુન્ડાઈ 7-સીટર SUV
કોડનેમ 'Ni1i' ધરાવતી આ આગામી હ્યુન્ડાઈ 7-સીટર SUV ચીનમાં વેચાતી ટક્સન LWB (લોન્ગ-વ્હીલબેઝ) પર આધારિત હોઈ શકે છે. આ ગાડી અલ્કાઝાર (Alcazar) કરતાં ઉપરની કેટેગરીમાં આવશે અને મહિન્દ્રા XUV 7XO, ટાટા સફારી તથા એમજી હેક્ટર પ્લસ જેવા મોડલ્સને ટક્કર આપશે. હ્યુન્ડાઈનો તળેગાંવ (મહારાષ્ટ્ર) ખાતે આવેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આ નવી 7-સીટર SUVનું પ્રોડક્શન હબ બનશે. આ ગાડીમાં પેટ્રોલ, ડીઝલ અને હાઇબ્રિડ સહિતના ઘણા એન્જિન ઓપ્શન મળવાની આશા છે. આ જ હાઇબ્રિડ એન્જિનનો વિકલ્પ નવી ક્રેટામાં પણ ઉપયોગમાં લેવાઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો