ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઓફ-રોડ એસયુવી (SUV) પ્રત્યે ગ્રાહકોનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધ્યો છે. સાહસિક પ્રવાસો અને પડકારજનક રસ્તાઓ પર સફર કરનારા શોખીનોની સંખ્યા વધતા હવે અગ્રણી કંપનીઓ ભારતમાં નવા અને શક્તિશાળી મોડલ્સ ઉતારવા સજ્જ થઈ છે.
આ તમામ ગાડીઓ ક્ષમતા અને મજબૂતી
આ શ્રેણીમાં ટૂંક સમયમાં MG મેજેસ્ટર, મહિન્દ્રા સ્કોર્પિયો શ્રેણીના ફેસલિફ્ટ મોડલ્સ અને નેક્સ્ટ જનરેશન ટોયોટા ફોર્ચ્યુનર રસ્તાઓ પર જોવા મળશે. આ તમામ ગાડીઓ ખાસ કરીને લેડર-ફ્રેમ અથવા બોડી-ઓન-ફ્રેમ ચેસિસ પર આધારિત છે, જે તેમને ઊબડ-ખાબડ રસ્તાઓ પર વધુ લોડ વહન કરવાની ક્ષમતા અને અત્યંત મજબૂતી પ્રદાન કરે છે.
MG મેજેસ્ટર: શક્તિ અને લક્ઝરીનું સંગમ
MG મોટર્સે ભારતમાં પોતાની નવી ઓફ-રોડ એસયુવી 'મેજેસ્ટર'ની ઝલક રજૂ કરી દીધી છે. આ પ્રીમિયમ એસયુવીની કિંમતોની સત્તાવાર જાહેરાત એપ્રિલ 2026 માં કરવામાં આવશે, જ્યારે તેનું બુકિંગ અત્યારથી જ શરૂ થઈ ચૂક્યું છે. ગ્રાહકોને આ ગાડીની ડિલિવરી મે મહિનાથી મળવાનું શરૂ થશે. તેમાં 2.0 લિટરનું ટ્વિન-ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એસયુવીમાં 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ અને ઓન-ડિમાન્ડ 4WD સિસ્ટમ છે. તેમાં 10 ટેરેન મોડ્સ અને ખાસ ‘M-Crawl’ ફંક્શન છે, જે તેને 810 mm સુધીના ઊંડા પાણીમાં પણ સરળતાથી ચાલવા માટે સક્ષમ બનાવે છે.
મહિન્દ્રા સ્કોર્પિયો N અને ક્લાસિક
મહિન્દ્રાની લોકપ્રિય સ્કોર્પિયો N અને સ્કોર્પિયો ક્લાસિક બંને મોડલ્સને આગામી થોડા મહિનાઓમાં મિડ-લાઈફ ફેસલિફ્ટ અપડેટ મળવા જઈ રહ્યું છે. કંપની આ બંને ગાડીઓમાં નવી સ્ટાઈલિંગ અને આધુનિક ફીચર્સ ઉમેરવાની તૈયારીમાં છે, જોકે તેમના એન્જિન સેટઅપમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં. ગ્રાહકોને તેમાં અગાઉની જેમ જ ઝિપ, ઝેપ અને ઝૂમ નામના ત્રણ ડ્રાઈવ મોડ્સ મળશે. નોંધનીય છે કે 4WD (ફોર-વ્હીલ ડ્રાઈવ) સિસ્ટમ માત્ર ડીઝલ એન્જિન વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ રહેશે, જે તેને ઓફ-રોડિંગના ચાહકો માટે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
નેક્સ્ટ જનરેશન ટોયોટા ફોર્ચ્યુનર
ટોયોટા ફોર્ચ્યુનરના નવા મોડલની રાહ જોઈ રહેલા લોકો માટે હવે ઈંતઝારનો અંત આવશે. નવી પેઢીની ફોર્ચ્યુનરનું ગ્લોબલ ડેબ્યુ 2026ના અંત સુધીમાં થશે અને ભારતમાં તે 2027ની શરૂઆતમાં લોન્ચ થવાની સંભાવના છે. નવી ફોર્ચ્યુનર અપડેટેડ IMV લેડર-ફ્રેમ ચેસિસ પર આધારિત હશે. આ વખતે ફોર્ચ્યુનરમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી આધુનિક સુરક્ષા સુવિધાઓ પણ સામેલ કરવામાં આવશે. ભારતીય બજારમાં તે હાલના 2.7 લિટર પેટ્રોલ અને 2.8 લિટર ડીઝલ એન્જિન વિકલ્પો સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો