ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) પ્રત્યે ગ્રાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં દેશમાં કુલ EV રિટેલ વેચાણમાં 24.6% નો નોંધપાત્ર વધારો થયો છે, જે આંકડો 24.52 લાખ યુનિટ પર પહોંચ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના રિપોર્ટ અનુસાર, આ વર્ષ ભારતીય ઓટોમોબાઈલ ઇતિહાસમાં 'ઇલેક્ટ્રિક મોબિલિટી' માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે, કારણ કે તમામ કેટેગરીમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો છે.
ટુ-વ્હીલર સેગમેન્ટમાં ટીવીએસ મોટર્સ મોખરે
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં ગ્રાહકોની પસંદગીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. FY26 માં આ સેગમેન્ટનું વેચાણ 21.81% વધીને 14.01 લાખ યુનિટને પાર કરી ગયું છે. આ સ્પર્ધામાં TVS મોટર્સ 3.41 લાખ યુનિટ સાથે પ્રથમ ક્રમે રહી છે, જ્યારે બજાજ ઓટો બીજા અને એથર એનર્જી ત્રીજા સ્થાને રહી છે. શહેરી વિસ્તારોમાં ઇંધણના વધતા ભાવ અને ઈવી સબસિડીના કારણે લોકો હવે ઝડપથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સ તરફ વળી રહ્યા છે.
ઇલેક્ટ્રિક કાર બજારમાં 83% નો જંગી ઉછાળો
પેસેન્જર વ્હીકલ એટલે કે ઇલેક્ટ્રિક કારના વેચાણમાં સૌથી આકર્ષક વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીએ આ સેગમેન્ટમાં 83.63% નો તોતિંગ ઉછાળો આવ્યો છે. FY26 માં કુલ 1,99,923 ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જેમાં ટાટા મોટર્સે 78,811 યુનિટ સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. JSW MG મોટર અને મહિન્દ્રા પણ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહીને બજારમાં મજબૂત પકડ બનાવી રહ્યા છે.
કોમર્શિયલ અને થ્રી-વ્હીલર વાહનોમાં તેજી
માલસામાનની હેરફેર અને જાહેર પરિવહન માટે પણ હવે વીજળીથી ચાલતા વાહનો પ્રાથમિકતા બની રહ્યા છે. ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોના વેચાણમાં 120.57% નો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જે દર્શાવે છે કે લોજિસ્ટિક્સ ક્ષેત્રે હવે ઇલેક્ટ્રિક ટ્રક અને ટેમ્પો સ્વીકાર્ય બન્યા છે. બીજી તરફ, ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પણ 18.97% ની વૃદ્ધિ સાથે કુલ વેચાણ 8.30 લાખ યુનિટ સુધી પહોંચ્યું છે.
એનર્જી ટ્રાન્ઝિશન તરફ મજબૂત ડગલું
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો આ ગ્રોથ માત્ર આર્થિક સફળતા નથી, પરંતુ પર્યાવરણ અને ઊર્જા પરિવર્તન (Energy Transition) ની દિશામાં એક મોટી જીત છે. FADA ના પ્રમુખ સીએસ વિજ્ઞેશ્વરના જણાવ્યા મુજબ, ગ્રાહકોની જાગૃતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાને કારણે ભારત હવે ક્લીન એનર્જી તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે આવનારા વર્ષોમાં ભારતીય રસ્તાઓ પર 'ગ્રીન મોબિલિટી' નું જ રાજ હશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો