ટોયોટા ઈન્ડિયા ટૂંક સમયમાં તેની સૌથી લોકપ્રિય SUV ફોર્ચ્યુનર (Fortuner) નું અપડેટેડ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ વખતે આ માત્ર સામાન્ય ફેરફાર નહીં, પરંતુ એક પાવરફુલ મિડ-સાઇકલ ફેસલિફ્ટ હશે. તાજેતરમાં જ આ નવી SUVના ટેસ્ટિંગ મોડલ રસ્તાઓ પર જોવા મળ્યા છે, જેણે કાર પ્રેમીઓમાં ભારે ઉત્તેજના જગાવી છે.
નવો અને આક્રમક લુક
નવી ફોર્ચ્યુનરના એક્સટિરિયરમાં મોટા ફેરફારો જોવા મળશે. જોકે તેની મૂળ સિલ્હુટ (આકાર) જળવાઈ રહેશે, પરંતુ તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે નવો હશે. નવું આક્રમક બમ્પર, રિડિઝાઈન કરેલી ગ્રીલ અને સ્લીક હેડલેમ્પ્સ તેને વધુ પ્રીમિયમ લુક આપશે. વ્હીલ આર્ચ આ વખતે હેક્સાગોનલ આકારમાં હશે અને તેના પર જાડી બ્લેક ક્લેડિંગ જોવા મળશે. સાથે જ નવા ડિઝાઇનના એલોય વ્હીલ્સ આ SUVને વધુ સ્પોર્ટી બનાવશે. પાછળના ભાગમાં અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહેલા કનેક્ટેડ ટેલ લેમ્પ્સ જોવા મળી શકે છે. આ ઉપરાંત નવું રિયર બમ્પર અને બોલ્ડ સ્કાફ પ્લેટ પણ આપવામાં આવશે.
કેબિન અને એડવાન્સ ફીચર્સ
અત્યાર સુધી ફોર્ચ્યુનર તેના ઈન્ટિરિયર ફીચર્સની બાબતમાં થોડી પાછળ રહી છે, પરંતુ હવે ટોયોટા આ ખામી દૂર કરવા જઈ રહી છે. નવા અપડેટમાં આ ફીચર્સ મળી શકે છે: મોટી ટચસ્ક્રીન: વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથેની મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ. સનરૂફ: ગ્રાહકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે ઈલેક્ટ્રિક સનરૂફની સુવિધા મળી શકે છે. મલ્ટી-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને એમ્બિયન્ટ લાઈટિંગ.
એન્જિન અને પાવર
એન્જિનની વાત કરીએ તો, ભારતીય બજારમાં ટોયોટા તેના ભરોસાપાત્ર 2.8 લિટર ડીઝલ એન્જિનને જાળવી રાખશે. જોકે, આ વખતે તેમાં 48V માઇલ્ડ-હાઇબ્રિડ ટેકનોલોજી ઉમેરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ટેકનોલોજીથી કારની ફ્યુઅલ એફિશિયન્સી (માઈલેજ) વધશે અને પર્ફોર્મન્સ પણ વધુ સ્મૂધ થશે. લોન્ચ વિગત: રિપોર્ટ્સ મુજબ, આ અપડેટેડ ફોર્ચ્યુનર આ વર્ષના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં ભારતીય બજારોમાં ધૂમ મચાવવા આવી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો