ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં દર મહિને ગળાકાપ સ્પર્ધા જોવા મળે છે, પરંતુ ફેબ્રુઆરી 2026ના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે. લાંબા સમયથી પ્રભુત્વ જમાવી રહેલી મારુતિ અને હ્યુન્ડાઈની લોકપ્રિય ગાડીઓને પછાડીને Tata Nexon દેશની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. જો તમે પણ નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ગ્રાહકોની બદલાતી પસંદગી અને માર્કેટના આ લેટેસ્ટ ટ્રેન્ડને સમજવો ખૂબ જરૂરી છે.
ટાટા નેક્સનનો સેલ્સ ચાર્ટમાં દબદબો
ફેબ્રુઆરી 2026માં પેસેન્જર ગાડીઓના વેચાણમાં ટાટા મોટર્સે મેદાન માર્યું છે. કંપનીની સ્ટાર એસયુવી, ટાટા નેક્સન, કુલ 19,430 યુનિટ્સના વેચાણ સાથે યાદીમાં પ્રથમ સ્થાને રહી છે. આ આંકડો દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો હવે સેફ્ટી રેટિંગ અને આધુનિક ફીચર્સ ધરાવતી ગાડીઓને વધુ મહત્વ આપી રહ્યા છે. નેક્સને માત્ર સેડાન કારોને જ નહીં, પરંતુ હ્યુન્ડાઈ ક્રેટા અને મારુતિ બ્રેઝા જેવી દિગ્ગજ એસયુવીને પણ પાછળ છોડી દીધી છે.
ટોપ 5માં રહેલી અન્ય લોકપ્રિય ગાડીઓ
વેચાણની આ રેસમાં બીજા ક્રમે મારુતિ સુઝુકીની સેડાન કાર Dzire રહી છે, જેના 19,326 યુનિટ્સ વેચાયા છે. ટાટા મોટર્સની જ બીજી માઈક્રો એસયુવી Tata Punch એ પણ શાનદાર પ્રદર્શન કરતા 18,748 યુનિટ્સ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં Hyundai Creta 17,938 યુનિટ્સ સાથે ચોથા ક્રમે અને Maruti Suzuki Brezza 17,863 યુનિટ્સ સાથે પાંચમા ક્રમે રહી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે હાલમાં ભારતીય બજારમાં એસયુવી અને કોમ્પેક્ટ કારોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે.
7-સીટર અને હેચબેક સેગમેન્ટનું પ્રદર્શન
જો આપણે ટોપ 10 ની યાદીમાં અન્ય મોડલ્સની વાત કરીએ તો, મારુતિની 7-સીટર Ertiga એ પોતાની પકડ જાળવી રાખી છે અને 17,807 યુનિટ્સ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. લોકપ્રિય હેચબેક કારોમાં મારુતિ Wagon R (14,885 યુનિટ્સ) અને Swift (14,833 યુનિટ્સ) અનુક્રમે સાતમા અને આઠમા સ્થાને રહી છે. આ દર્શાવે છે કે મધ્યમ વર્ગના પરિવારોમાં હજુ પણ કિફાયતી હેચબેક કારોની ડિમાન્ડ યથાવત છે.
મહિન્દ્રા સ્કોર્પિયો અને બલેનોએ પણ જમાવી ધાક
યાદીમાં નવમા ક્રમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની પાવરફુલ એસયુવી Scorpio રહી છે, જેના 14,665 યુનિટ્સ વેચાયા છે. સ્કોર્પિયોની મજબૂત બનાવટ અને રોડ પ્રેઝન્સ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જ્યારે દસમા સ્થાને મારુતિ સુઝુકીની પ્રીમિયમ હેચબેક Baleno એ 14,632 યુનિટ્સ સાથે પોતાની જગ્યા બનાવી છે. ટાટાથી લઈને મહિન્દ્રા સુધીની એસયુવી ગાડીઓ જે રીતે ટોપ લિસ્ટમાં આગળ વધી રહી છે, તે જોતા કહી શકાય કે આગામી સમયમાં આ સેગમેન્ટમાં હજુ વધુ તેજી જોવા મળશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો