મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતીય ઓટોમોબાઇલ બજારમાં SUV સેગમેન્ટની એક દિગ્ગજ કંપની છે. કંપનીની SUV મોડલ્સ પ્રત્યે લોકોમાં જે ક્રેઝ જોવા મળે છે તે અનોખો છે. હવે આ કંપનીએ આગામી બે વર્ષ માટે એક મોટી 'મેગા પ્લાનિંગ' કરી છે. જેના હેઠળ 2027 સુધીમાં કુલ 8 નવી SUV અને ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કંપનીનું મુખ્ય લક્ષ્ય ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવાનું છે અને આ આગામી લાઇનઅપ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે.


ઇલેક્ટ્રિક સેગમેન્ટ પર વિશેષ ધ્યાન

આ કંપનીના સૌથી મહત્વપૂર્ણ લૉન્ચમાંથી એક XUV.e8 હશે. આ એક થ્રી-રો એટલે કે ત્રણ હરોળવાળી ઇલેક્ટ્રિક કાર હશે. જે કદાચ XEV 9S નામથી પણ બજારમાં આવી શકે છે. આ કારને બે બેટરી વિકલ્પો સાથે ઉતારવામાં આવે તેવી શક્યતા છે અને તે સિંગલ ચાર્જમાં 500 કિલોમીટરથી વધુની પ્રભાવશાળી ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરી શકે છે. જે તેને લાંબા અંતરની મુસાફરી માટે પણ યોગ્ય બનાવશે.

આવતા વર્ષે વેચાણ માટે થઈ શકે છે ઉપલબ્ધ 

વધુમાં કંપનીની BE Rall-E મોડેલ પણ છે. આ મૂળભૂત રીતે BE 6નું એક એડવેન્ચર-ફોકસ્ડ મોડેલ હશે. મજબૂત ક્લેડિંગ, વધુ પાવરફુલ સસ્પેન્શન ટ્યુનિંગ અને મજબૂત સ્ટૅન્સ તેને રોડ-બેઝ્ડ વર્ઝનથી અલગ પાડશે. Rall-Eમાં રેગ્યુલર BE 6 જેવા જ ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન ઓપ્શન્સ હોવાની અપેક્ષા છે અને તે આવતા વર્ષે (2026) વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

આઇકોનિક મોડેલોનો EV અવતાર

આ કંપનીએ થાર EV કન્સેપ્ટ પહેલેથી જ પ્રદર્શિત કરી દીધો છે. જે હાલની થારના વિકલ્પ તરીકે પાંચ-દરવાજાવાળી ઝીરો-એમિશન ઑફ-રોડર તરફ ઇશારો કરે છે. ઑફ-રોડિંગના શોખીનો માટે આ એક બહુપ્રતિક્ષિત વિકલ્પ બની રહેશે. આની સાથે ઇલેક્ટ્રિક સ્કોર્પિયો પર પણ અભ્યાસ ચાલી રહ્યો છે. જો તેને લીલી ઝંડી મળી જાય તો તે સંભવતઃ વિઝન એસ કન્સેપ્ટથી પ્રેરિત હશે અને બ્રાન્ડના આગામી NU_IQ આર્કિટેક્ચર પર આધારિત હશે.

ફેસલિફ્ટ અને કોમ્પેક્ટ એસયુવી

નાની SUV સેગમેન્ટમાં XUV 3XO આધારિત કોમ્પેક્ટ E-SUVને પણ ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે. આ ઉપરાંત વિઝન X પર આધારિત કોમ્પેક્ટ ક્રોસઓવર પણ ભવિષ્યમાં નાની SUV તરીકે સામે આવવાની અપેક્ષા છે. પરંપરાગત ફ્યુઅલ એન્જિન સેગમેન્ટમાં, મહિન્દ્રાની XUV700નું ફેસલિફ્ટ મોડેલ 2026માં લોન્ચ થનારી પ્રથમ SUV હશે.

ગ્રાહકોને પ્રદાન કરશે વધુ પ્રીમિયમ અનુભવ

આ અપડેટેડ SUVમાં નવા બમ્પર, હેડલેમ્પમાં ફેરફાર અને નવા એલોય વ્હીલ્સ જોવા મળશે. આ સાથે ઇન્ટિરિયર પણ નવા લુકમાં દેખાશે, જે ગ્રાહકોને વધુ પ્રીમિયમ અનુભવ પ્રદાન કરશે. આ મેગા પ્લાનિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે મહિન્દ્રા આગામી સમયમાં ભારતીય બજારમાં પોતાના SUV અને EV પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.


  • Follow us on: